હ્યુસ્ટન : અમેરિકાના હ્યુસ્ટનમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી હતી. અમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે આઠ મહિનાના બાળકનું ગોળી વાગતા મોત નીપજ્યું છે. પોલીસનું માનવું છે કે, ઘરમાં ત્રણ વષના બાળકના હાથમાં બંદૂક હતી અને તેણે ગોળી ચલાવી જેમાં 8 મહિનાના તેના નાનાભાઈનું મોત થઈ ગયું છે. હ્યુસ્ટન પોલીસ વિભાગના સહાયક ચીફ વેન્ડી બેમ્બ્રીજએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે બાળકને પેટમાં ગોળી વાગી હતી. પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
બેમ્બ્રીજે કહ્યું, “હું તમામ માતા-પિતાને અપીલ કરવા માંગુ છું કે, તેઓ તેમના હથિયાર ઘરમાં બાળકોની પહોંચથી હંમેશા દૂર રાખે.” તમે હથિયારને સુરક્ષિત રાખવા માટે ઘણી વસ્તુઓ કરી શકો છો. કૃપા કરી આ પરિવાર માટે પ્રાર્થના કરો. આ ખૂબ જ દુ: ખદ ઘટના છે.”
તપાસકર્તાઓને શરૂઆતમાં આ ઘટનામાં વપરાયેલી બંદૂક મળી હતી નહી, પરંતુ બાદમાં તે એક વાહનની અંદરથી મળી આવી હતી, જેમાં પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. બેમ્બ્રીજે કહ્યું કે, તપાસકર્તાઓ અને વકીલ તપાસ કરી રહ્યા છે કે, આ કેસમાં 3 વર્ષના બાળક કોઈ આરોપ લાગે છે કે કેમ.
ઉલ્લેખનીય છે કે, હમણાં જ આવી એક ઘટના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બકરવાડા ગામમાં બની હતી જેમાં બે બાળકો ઘરમાં રમતા રમતા સ્લાઈડરવાળા કબાટમાં સંતાઈ ગયા, ત્યારબાદ અંદરથી કબાટ ખોલવાનો બાળકોએ પ્રયાસ કર્યો પરંતુ તેમનાથી કબાટ ખુલ્યું નહીં અને અંદર જ ગુંગળાઈ જવાથી બંને બાળકો મોતને ભેટ્યા હતા.
આવી જ બાળકો સાથેની દુખદ ઘટના મધ્યપ્રદેશમાં પણ સામે આવી હતી, જેમાં ભોપાલમાં એક ખુબ દર્દનાક ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનના મોત થઈ ગયા છે. 5 વર્ષના આ બાળકો રમતા રમતા ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. બાળકો પિતરાઈ ભાઈ-બહેન હતા. બાળકોના પિતાને ટેન્ટ હાઉસ છે. જોકે, કોરોનાના કારણે ધંધો બંધ હોવાના કારણે પિતાએ ટેન્ટ હાઉસના ગાદલા ઘરે રખાવી દીધા હતા. આ ગાદલા જ બે માસુમ બાળકોના મોતનું કારણ બન્યા.