નવી દિલ્હી : વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીનું શાસન 41 મહિના લાંબી અંતરાલ બાદ સમાપ્ત થયું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઈસીસીની વનડે રેન્કિંગમાં વિરાટ કોહલીને હરાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બાબર આઝમ 865 પોઇન્ટ સાથે વન ડે ક્રિકેટનો નવો કિંગ બન્યો છે, જ્યારે વિરાટ કોહલી હવે 857 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી ગયો છે. આઈસીસી વનડે રેન્કિંગમાં રોહિત શર્મા 825 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
આઈસીસી રેન્કિંગમાં ઓગસ્ટ 2017 થી એપ્રિલ 2021 સુધી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ક્રમે હતો. દિવસોની વાત કરીએ તો આઈસીસી રેન્કિંગમાં વિરાટ કોહલીનું શાસન 1,258 દિવસ સુધી ચાલ્યું હતું. વર્ષ 2015 માં પાકિસ્તાન તરફથી વનડે ડેબ્યૂ કરનાર બાબર આઝમે પ્રથમ વખત વન ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર વનનો ક્રમ હાંસલ કરનાર પાકિસ્તાનનો બાબર આઝમ ચોથો એવો બેટ્સમેન છે. અગાઉ, ઝહીર અબ્બાસ, જાવેદ મિયાદાદ અને મોહમ્મદ યુસુફ તે ત્રણ પાકિસ્તાની ક્રિકેટર હતા જેમણે આઈસીસીની વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
ફખરનું નસીબ પણ ચમક્યું
દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ત્રણ મેચની વનડે સિરીઝમાં પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને પણ સારું પ્રદર્શન કર્યું હતું, બીજી વનડેમાં 193 રનની શાનદાર ઇનિંગ રમનાર ફખરે વનડે રેન્કિંગમાં તેના સારા પ્રદર્શનનું ઈનામ મેળવ્યું છે. ત્રણ મેચમાં 302 રન બનાવનાર ફખર ઝમાન વનડે રેન્કિંગમાં 7 મા ક્રમે પહોંચી ગયો છે.