નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ભૂતપૂર્વ નિર્દેશક રણજિત સિંહાનું નિધન થયું છે. રણજિત સિંહા 68 વર્ષના હતા. 68 વર્ષિય રણજીત સિંહાએ શુક્રવારે સવારે 4:30 વાગ્યે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. રણજિત સિંહાએ સીબીઆઈ ડાયરેક્ટર, આઇટીબીપી ડીજી જેવા ઘણા હોદ્દા પર ફરજ બજાવી છે. રણજિત સિંહા 974 બેચના આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના ડાયરેક્ટર જનરલ પદ સંભાળતાં પહેલા રણજિત સિંહાએ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
એક અહેવાલ મુજબ કેટલાક વરિષ્ઠ અધિકારીઓ માને છે કે રણજિત સિંહાનું મોત કોરોના વાયરસ સંબંધિત જટિલતાઓના કારણે થયું છે. મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે રણજિત સિંહા કોરોનો વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું.
રણજીત સિંહાએ રેલવે સુરક્ષા દળનું નેતૃત્વ પણ કર્યું હતું. ૨૦૧૨માં સીબીઆઈના વડા તરીકેની નિમણૂક પૂર્વે રણજિત સિંહાએ પટના અને દિલ્હીમાં સીબીઆઈમાં વરિષ્ઠ હોદ્દા પર ફરજ બજાવી હતી.