સુપરહિટ ફિલ્મોની વાત કરવામાં આવે તો હવે સૌથી પહેલું નામ બાહુબલીનું લેવાશે. બાહુબલી આ વર્ષની રેકોર્ડબ્રેકિંગ ફિલ્મ સાબિત થઈ છે. રાજામૌલીની આ ફિલ્મે બોક્સઓફિસના લગભગ બધા જ રેકોર્ડ તોડ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આ ફિલ્મ વખણાઈ છે.
ફિલ્મમાં એક્ટિંગની સાથે સૌથી વધારે વખાણ થયા હોય તો તે છે રાજામૌલીના ડિરેક્શન અને સેટ પાછળ કરવામાં આવેલી મહેનતની રાજામૌલીએ માહિષ્મતિનો અદ્દભુત સેટ તૈયાર કર્યો હતો. અને બાહુબલીના ફેન્સ માટે એક સારા સમાચાર એ છે કે તે માહિષ્મતિની મુલાકાત વાસ્તવમાં લઈ શકે છે.
હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટીમાં બાહુબલીનું શૂટિંગ કરવામાં આવ્યું હતુ. લોકો જોઈ શકે કે આટલી સફળ ફિલ્મનું શૂટિંગ ક્યાં અને કઈ રીતે થયું હતું તે માટે ફિલ્મના સેટને હજી પણ સાચવીને રાખવામાં આવ્યો છે. તમે રામોજી ફિલ્મ સિટીની વેબસાઈટ પર જઈને એન્ટ્રી ટિકિટ બુક કરાવી શકો છો.
આ ફિલ્મને બે ભાગમાં બનાવવા માટે સેટ પાછળ લગભગ 60 કરોડથી વધારે ખર્ચો કરવામાં આવ્યો હતો. સિનેમા લવર્સ, ફિલ્મ સ્ટુડન્ટ્સ, અને અન્ય લોકો માટે પણ આ સારો અનુભવ સાબિત થશે.
ફિલ્મના પ્રોડ્યુસર આ વિષે જણાવે છે કે, રામોજી ફિલ્મ સિટી તરફથી અમને આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આખો સેટ તૈયાર કરવામાં અમને મહિનાઓ લાગ્યા હતા. આમ પણ અમે સેટ અન્ય ઉપયોગ માટે રાખવાના જ હતા, તો પછી લોકો જોઈ શકે તે વિચાર સારો જ છે.