ગાંધીનગરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસીનો પ્રથમ ડોલ લીધો હતો. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 21 એપ્રિલ,2021ના બુધવારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. નોંધનીય છે કે, સીએમનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કોરોના રસી લઇ લીધી છે. રાજ્યનાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષે પણ કોરોનાની રસી લઇ લીધી છે.
મહત્ત્વનું છે કે, સીએમ રૂપાણીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને લોકોને મહામારીમાં વોલિન્ટિયર તરીકે જોડાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ દેશ અને ગુજરાત કોવિડ-19ની સામે ઝઝૂમી રહેલ છે અને કોવિડ-19ની મહામારીનો સામનો કરવા માટે ઘણા લોકો આગળ આવી રહ્યાં છે. તો આવો, આ મહામારીની સામે લડવા વોલન્ટિયર તરીકે જોડાવા સૌને ગુજરાત સરકાર અપીલ કરે છે.
નોંધનીય છે કે, સોમવારે રાજ્યમાં 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.