નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં દરરોજ હજારો લોકો મોતને ભેટે છે. ત્યારે રાજકીય દુનિયામાં પણ કોરોનાના કારણે દિગ્ગજ નેતાના પુત્રનું મોત નીપજ્યું હતું. CPM નેતા સીતારામ યેચુરીએ આજે સવારે ટ્વિટ કરીને જાણકારી આપી કે તેમના મોટા દીકરા આશિષ યેચુરીનું આજે સવારે કોરોના વાયરસના કારણે નિધન થયું છે. આશિષ કોરોના વાયરસથી સંક્રમિત હતા તથા ગુરુગ્રામની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે હોસ્પિટલમાં દીકરાએ અંતિમ શ્વાસ લીધા. સીતારામ યેચુરીની દુ:ખની આ ઘડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત નેતાઑએ સંવેદના વ્યક્ત કરી છે.
આશિષ યેચુરીની ઉંમર 35 વર્ષ હતી અને આશરે બે સપ્તાહ પહેલા કોરોના વાયરસના કારણે તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર થતાં તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ તેમને બચાવી ન શકાયા. નોંધનીય છે કે સીતારામ યેચુરીના પરિવારમાં તેમની દીકરી અને તેમના પત્ની પણ છે.
સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને લખ્યું કે ખૂબ જ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે મેં મારા મોટા દીકરાને કોવિડના કારણે ગુમાવી દીધો. જે પણ લોકોને અમને આશા આપી અને તેની સારવાર કરી તેમનો આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર, નર્સ, સ્વાસ્થ્યકર્મી થતાં સ્વચ્છતા કાર્યકર્તા સહિતના જેટલા લોકો અમારી સાથે ઊભા રહ્યા તે બધાનો આભાર વ્યક્ત કરું છું.
આજે જ કોંગ્રેસના સિનિયર નેતા એકે વાલિયાનું પણ કોરોના વાયરસના કારણે નિધન થયું છે. શીલા દીક્ષિતની સરકારમાં મંત્રી પદ પર તેઓ રહ્યા હતા અને કોંગ્રેસના સિનિયર નેતા હતા. આજે સવારે તેમનું એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થઈ ગયું.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે તથા મૃત્યુ પણ દરરોજ વધી રહ્યા છે. ભારતમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં એક જ દિવસમાં નવા 3,14,835 કેસ આવ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. એક જ દિવસમાં 2,104 લોકોના મોત થયા છે જ્યારે 1,78,841 લોકો સાજા થયા છે.