નવી દિલ્હીઃ કોરોનાની સ્થિતિ ભારતમાં દિવસેને દિવસે કથળતી જાય છે. ત્યારે ભારતે કોરોના અંગે અમેરિકાને પણ પાછળ પાડી દીધું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 3 લાખ 32 હજાર 320 કેસ નોંધાયા છે. આ આંકડો દેશમાં અત્યારસુધી એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. આ પહેલા ભારતમાં ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 3 લાખ 15 હજાર 552 કેસ નોંધાયા હતા. મોતનો આંકડો પણ છેલ્લા બે દિવસખી ખૂબ જ ડરાવનારા આવી રહ્યા છે. ગુરુવારે દેશમાં 2,556 લોકોએ કોરોનાથી દમ તોડી દીધો હતો. આખી દુનિયામાં બ્રાઝીલ પછી ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાથી એક દિવસમાં આટલા મોત થઈ રહ્યા છે.
ગુરુવારે દેશમાં એક્વિટ કેસમાં પણ રેકોર્ડ વધારે થયો છે. એક જ દિવસમાં દેશમાં 1 લાખ 42 હજાર 80 એક્ટિવ કેસ વધ્યા છે. હવે આખા દેશમાં 24.22 લાખ એક્ટિવ દર્દી છે, જેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.92 લાખ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાથી દેશમાં હવે 1.59 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 1.34 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી 1.84 લાખ લોકોનાં મોત થયા છે.
દેશમાં 24 કલાકમાં સૌથી વધારે 568 મોત મહારાષ્ટ્રમાં થયા છે. જે બાદમાં દિલ્હીમાં 306, છત્તીસગઢમાં 207, ઉત્તર પ્રદેશમાં 195, ગુજરાતમાં 137, કર્ણાટકમાં 123, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 75 લોકોનાં મોત થયા છે. આ આઠ રાજ્યમાં કુલ 1686 મોત થયા છે, જે કુલ 2,256 મોતના 75 ટકા છે. કોરોના સંક્રમણથી સાજા થવાનો દર ઘટીને 83.9 ટકા થયો છે. આંકડા પ્રમાણે કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુદર 1.1 ટકા થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા છે. જેની સામે 5,010 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 137 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5,877 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.41 ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ 92,084 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાંથી 376 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 91,708 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,55,875 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.