ગાંધીનગરઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દર્દીઓની સંખ્યમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહે, કોરોના મહામારી સામેની લડાઈમાં જોડાયેલા ગુજરાતના સનદી અધિકારીઓના કલાસ લીધા હતા. ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધા હોવા છતા અસુવિધા હોવાનુ ચિત્ર કેમ ઉપસી રહ્યુ છે તેવો સવાલ કર્યો હતો. યોગ્ય આયોજનના અભાવે જ આ પરીસ્થિતિ સર્જાઈ હોવાનુ કહીને, અમિત શાહે અધિકારીઓને કેટલાક સુચનો પણ કર્યા હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે.
ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં DRDO દ્વારા બનાવાયેલી 900 બેડની હંગામી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતુ. આ હોસ્પિટલના નિરિક્ષણ બાદ, અમિત શાહે ગુજરાતના ઉચ્ચ સનદી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમા કોરોનાની વર્તમાન પરીસ્થિતિનો સમગ્રતયા ચિતાર મેળવ્યો હતો.
ગૃહપ્રધાન અમિત શાહે, અધિકારીઓને ગુજરાતની વિવિધ હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈન કેમ લાગે છે તેવો સવાલ કરીને દર્દીને દાખલ કરવા માટે જરૂરી જે કોઈ કાર્યવાહી હાથ ધરાય છે તેમાં ઝડપ લાવવા ટકોર કરી હતી. દર્દીને દાખલ કરવા માટેની પ્રોસીજરમાં ઝડપ લાવવા, જરૂર પડે વધારાની વ્યવસ્થા પણ ઊભી કરવા તાકીદ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની જે લાઈનો લાગી છે તે ભૂતકાળ બની જવો જોઈએ.
સખાવતી પ્રવૃતિ ગુજરાતીઓની નસ નસમાં વહે છે. આવી કપરી સ્થિતિમાં ગુજરાત રાજ્યની સખાવતી સંસ્થાઓનો કેમ અત્યાર સુધી સંપર્ક નથી કરાયો. તેવો પણ સવાલ કરીને, રાજ્યમાં ગમે તેવી સ્થિતિમાં સખાવત કરતી સંસ્થાઓનું સંકલન કરીને તેમના દ્વારા વધુને વધુ કોવિડ કેર સેન્ટર ઊભા કરવા અને તેની દેખરેખ રાખવાની જવાબદારી સખાવતી સંસ્થાઓને સોંપવા અને સખાવતી સંસ્થાઓને પડતી મુશ્કેલી દુર કરવા બે ચાર સંસ્થા દીઠ નોડલ ઓફિસર નિમવા તાકીદ કરી હતી.
કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ધન્વંતરી રથ દોડાવવામાં આવી રહ્યાં છે પણ કેમ પ્રજાની વચ્ચે ધન્વંતરી રથ દેખાતા નથી. આવા રથ માત્ર કાગળ ઉપર દોડી રહ્યાં હોય તો તેમને રોડ ઉપર દોડાવવા પણ અધિકારીઓને તાકીદ કરી હતી.
મહાનગરપ વિસ્તારમાં કેટલાક અધિકારીઓ મનમાની કરતા હોવાની વિગતો સામે આવતા અમિત શાહે, સનદી અધિકારીઓને ચૂટાયેલા પદાધિકારીઓને સાંભળવા અને તેમને વિશ્વાસમાં લેવા પણ કહ્યુ છે. ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રજાની વચ્ચેથી આવે છે અધિકારીઓ નહી. પ્રજાની નાડ પારખતા અને વાસ્તવિક સમસ્યા ક્યા છે તે આવા પદાધિકારીઓ સારી રીતે જાણતા હોય છે તેમને પુછીને. તેમના વિચાર અને સુચનો જાણીને ભાવી આયોજન કરવા પણ તાકીદ કરી હતી. માત્ર આઈએએસ અધિકારીઓને જવાબદારી સોપ્યે કોઈ નિવેડો નહી આવે.