નાંદેડઃ દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અને મહારાષ્ટ્રની હાલત દિવસેને દિવસે વધારે ખરાબ થતી જાય છે ત્યારે મહારાષ્ટ્રનું જ એક એવું ગામ છે જ્યાં કોરોનાનું એક પણ દર્દી નથી. અહીં કોરોના તો શું પણ કોઈને શરદી, ઉધરસ અને તાવ પણ નથી આવ્યો. આ ગામમાં કોઈ બીમાર ન હોવાથી અહીં એમ્બ્યુલન્સનો અવાજ પણ નથી સંભળાતો. ગામમાં તમામ તંદુરસ્ત અને નિરોગી છે.
નાંદેડ જિલ્લામાં આવેના નિવળા નામના આ ગામની વસતી માંડ 1245 જેટલી છે. આ ગામમાં હજી સુધી કોઈને પણ કોરોના સંક્રમણ નથી થયું. પણ આ ચમત્કાર કોઈ દેવી દેવતાની બાધા આખડીને કારણે નહિ પણ ગામના લોકોના સખત શિષ્ત પાલનને કારણે થયો છે. ગામવાસીઓએ નક્કી કર્યું કે અહીં કોરોનાને આવવા જ નથી દેવું.
ગામવાસીઓએ જાગૃતિ કેળવી અને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કર્યું. શરૂઆત કરી સ્વચ્છતાથી. ગામને સાફ સૂથરું કરીને નક્કી કરાયું કે કોઈએ કામ વિના બહાર જ નથી નીકળવું. ગામમાં આવતા રસ્તાને સીલ કરવામાં આવ્યા.
ટોળાબંધીનો કડક અમલ કર્યો. કામ વિના કોઈએ બહાર ન નીકળવાનું નક્કી કર્યું. નીકળવું જ પડે તો માસ્ક પહેરવા, હાથ વારંવાર ધોવા જેવા નિયમોનું કડક પાલન કરવું. આવા કડક નિયમપાલનને કારણે ગામમાં હજી સુધી કોરોનાનો એકપણ દરદી નથી. એટલું જ નહિ ગામના ૮૦ ટકા લોકોએ વેક્સિન પણ લઈ લીધી છે. બાકીના પણ પોતાના સમયે વેક્સિન લઈ લેશે. ગામમાં તમામ સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ મુકાયો છે.
ધાર્મિક હોય કે સામાજિક, અહીં કોઈપણ જાહેર કાર્યક્રમ કરવાની મનાઈ છે. અન્ય ગામના લોકોને આ ગામમાં આવવા પર પ્રતિબંધ મુકાયો છે. આવા કડક અનુશાસનને કારણે કોરોના અહીં ડોકિયું પણ નથી કરી શકયો. હવે આગામી સમયમાં ગામના તમામ લોકો પોતાનું ટેસ્ટીંગ પણ કરાવી લેશે. જેથી કોઈને કોરોના સંક્રમણ થયું પણ હોય તો તેને આઈસોલેટ કરી શકાય.