મેહુલ ભટ્ટ દ્વારા:
ભારતીય જનતા પાર્ટીમાંથી વધુ ઉમરનું બહાનું આગળ કરીને પક્ષના જ કેટલાક લોકો સામે પડતા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું પદ સંભાળનાર આનંદીબેન પટેલ ભારે સ્વમાનભેર પોતાનું રાજીનામું આપી દીધું હતું. પરંતુ હાલને તબક્કે બહેન પોતાના સમર્થકો- ટેકેદારોને પણ ખુલ્લા મને મળતા નથી. તેમનું આ મૌન તેમના વિરોધીઓ માટે ભારે અકળાવનારું છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં લગભગ ૧૮ વખત વિવિધ કાર્યક્રમો માટે આવ્યા ત્યારે બેન તેમના તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત હતા. એક કાર્યક્રમમાં બેનને આમંત્રણ પહોચ્યું નહોતું ત્યારે મોડી રાત્રે પણ તેમનું આમંત્રણ પહોચતું કરવા માટે સરકારી અધિકારોની દોડધામ વધી ગઈ હતી.
પરંતુ વડાપ્રધાનના છેલ્લા બે કાર્યક્રમોમાં બેન અનુપસ્થિત રહ્યા હતા અને ત્યારથી બેને વધુ અકળાવનારી ગંભીરતા ધારણ કરી હોવાનું તેમની નજીકના સુત્રો જણાવી રહ્યા છે. હાલને તબક્કે તેઓ પોતાના સમર્થકો અને ટેકેદારોથી પણ વ્યવસ્થિત અંતર રાખી રહ્યા છે. જેના કારણે બેન હવે આગળ શું કરશે? તેના ઉપર તમામની મીટ મંડાયેલી છે.
બેનના તમામ સમર્થકો અને ટેકેદારોની ટીકીટનો મદાર પણ બેન ઉપર છે, બહેનના આવા મૌનના કારણે તે તમામની સ્થિતિ પણ કફોડી બની રહી છે. જો કે આંતરિક વર્તુળોનું કહેવું છે કે બેન અંદરખાને ચોક્કસ સક્રિય છે, પરંતુ મૌન ધારણ કરવું તે પણ તેમની રણનીતિઓ એક ચોક્કસ ભાગ હોવાનું પણ નકારી શકાય નહિ.