કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પરિવારે હેવાનીયતની હદ વટાવી હતી. પરિવારના દાદા-દાદી અને પિતા માનસિક રીતે બીમારી પુત્રી ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારી રહ્યા છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે કુલ્લૂ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં દાદા અને દાદીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં હવે સગીરાના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે હાલ વધારે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પિતાએ તેની દીકરી સાથે ગેરવર્તન કર્યું છે. આ માટે તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કુલ્લૂના દેઉધારમાં સગીરા સાથે મારપીટ કરવાના આરોપમાં દાદા-દાદી પછી હવે છોકરીના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા દીકરીને ઢસડીને લઈ જઈ રહ્યો છે. સાથે જ તેણીને એક દોરડા વડે બાંધી દે છે. આ દરમિયાન તે દીકરીને કહે છે કે શું હવે બહાર જઈશ? ડરના માર્યા દીકરી ઇન્કાર કરે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પૌત્રી સાથે મારપીટ કરવાના આરોપમાં દાદા અને દાદીની ધરપકડ કરવામાં આવી હતી. બંને બનાવ બાદ જંગલમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
દાદા-દાદીની મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. હવે આ કેસમાં પોલીસે પીડિતાના પિતાની પણ ધરપકડ કરી લીધી છે.
એસપી કુલ્લૂ ગૌરવસિંહે જણાવ્યું કે, મારપીટના વાયરલ થયેલા વીડિયોમાં હવે દાદા-દાદી બાદ પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં માલુમ પડ્યું છે કે પિતાએ છોકરી સાથે યોગ્ય વર્તન નથી કર્યું. તેનો ઉછેર પણ યોગ્ય રીતે નથી કર્યો. આ કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.