કોરોનાની મારથી બેહાલ ચાલી રહેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખતરનાક થઇ શકે છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે.
ટોપેએ વિશેષજ્ઞોનો હવાલો આપતાં કહ્યું કે જુલાઇ અથવા ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી શકે છે, એવામાં અમે તેનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તમને જણાવી દઇએ કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે.
સ્વાસ્થમંત્રી રાજેશ ટોપેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે વિશેષજ્ઞો દ્વારા મહારાષ્ટ્રમાં મેના અંત સુધી સંક્રમણની એક જેવી સ્થિતિ બની રહેવની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જાે રાજ્ય જુલાઇ અથવા ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરે છે, તો આપણા પડકારો ખૂબ વધી જશે. તેને ધ્યાનમાં રાખતાં અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ખાસકરીને ઓક્સિજનની પુરતી ઉપલબ્ધતા પર અમારું ધ્યાન છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સમીક્ષા બેઠકમાં ભાગ લીધા બાદ ટોપેએ કહ્યું કે આ બેઠકમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ અને રસીકરણ સહિતના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે સીએમએ ઓક્સિજન પ્લાન્ટ્સ સેટઅપ પર ભાર મુક્યો, જેથી કોરોના દર્દીઓને ઓક્સિજનની અછત ન સર્જાય. સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતાં કલેક્ટરોને કહેવામાં આવ્યું છે કે ઓક્સિજનની સમસ્યા સરકાર સહન નહી કરે.
એટલા માટે અત્યારથી જ તમામ વ્યવસ્થા કરવામાં આવશે. વેક્સીનના ચોથા તબક્કાને લઇને રાજેશ ટોપેએ કહ્યું કે ૧મેથી શરૂ થનાર વેક્સીનેશન શરૂ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે રાજ્યની પાસે વેક્સીનનો પર્યાપ્ત સ્ટોક નથી. એવામાં રસીકરણ શરૂ કરવામાં નહી આવે. ટોપેએ કહ્યું કે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પર્યાપ્ત સ્ટોક હોવો જાેઇએ. તેમણે આગળ કહ્યું કે આપણે ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ લાખ ડોઝની જરૂર છે. ત્યારે જઇને ૧૮ થી ૪૪ વર્ષના લોકોનું વેક્સીનેશન શરૂ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઘણીવાર વેક્સીનની અછતથી રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું છે.