ભાજપમાં PM મોદી પછી કોણ? ખુદ PM મોદીએ આપ્યો જવાબ…? સપ્ટેમ્બરમાં નવાજુની થશે?
એન.ડી.એ.ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી તરીકે રેકોર્ડબ્રેક સેવાઓ આપનાર અમિત શાહને ધન્યવાદ આપવાની સાથે સાથે તેમના ખૂબ વખાણ કર્યા અને ‘હજુ ઘણું આગળ જવાનું છે’ તેમ કહ્યું તેના ઘણાં અર્થઘટનો થઈ રહ્યા છે. કોઈ કહે છે કે ભાજપમાં મોદી પછી વડાપ્રધાનનો દાવેદાર બને તેવો નેતા કોણ? તેનો જવાબ મળી ગયો, તો કોઈ એવું પણ કહે છે એ તો માત્ર પ્રાસંગિક પ્રશંસા જ હશે. કોઈ એવું અનુમાન લગાવે છે કે આ પ્રશંસા એનડીએના સાથીદાર પક્ષોને ઉદ્દેશીને કરવામાં આવી હશે, તો કોઈ એવું પણ કલ્પે છે કે આગામી ૧૭ સપ્ટેમ્બરે કાંઈક નવાજુની થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭પ વર્ષના થશે!
આ મુદ્દો આજે ‘ટોક ઓફ ધ નેશન’ બન્યો છે.
સંસદમાં વડાપ્રધાન પછી નંબર-ટુ પર ભલે રાજનાથસિંહ બેસતા હોય, પરંતુ વાસ્તવમાં મોદી પછીના વડાપ્રધાનપદના દાવેદાર તો અમિત શાહ જ છે. અમિત શાહને ઉપરાષ્ટ્રપતિ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા સંઘ બધાને ચોંકાવી દેશે, તેવી વાતો પણ વહેતી થઈ છે, જોકે અટકળો અને કલ્પનાઓનો કોઈ અંત હોતો નથી, પરંતુ વડાપ્રધાને જ્યારે એનડીએની બેઠકમાં જ અમિતભાઈની મુક્ત કંઠે પ્રશંસા કરી હોય, તો તેની પાછળ કોઈ ને કોઈ ચોક્કસ રણનીતિ જ હોવી જોઈએ.