ઈંડિયન રેલવેએ જે 48 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ જાહેર કરી છે તે ટ્રેનોમાં મુસાફરી માટે ભાડું પણ વધારી દેવાયું છે. હવે આ ટ્રેનો દ્વારા મુસાફરી કરવા માટે સ્લીપર માટે 30 રુપિયા, સેકંડ અને થર્ડ એસી માટે 45 રુપિયા અને ફર્સ્ટ એસી માટે 75 રુપિયાનો વધારાનો સુપરફાસ્ટ ચાર્જ આપવો પડશે. આ 48 ટ્રેનોના ભાડામાં વધારો કરવાથી રેલવેને 70 કરોડ રુપિયાની આવક થશે. 48 ટ્રેનોને અપગ્રેડ કર્યા બાદ સુપરફાસ્ટ ટ્રેનોની સંખ્યા હવે 1072 થઈ ગઈ છે.
નવી સુપરફાસ્ટ ટ્રેનોમાં આ ટ્રેનોનો સમાવેશ, પુણે-અમરાવતી એક્સપ્રેસ, પાટલીપુત્ર-ચંદીગઢ એક્સપ્રેસ, વિશાખાપટ્ટનમ-નાંદેડ એક્સપ્રેસ, દિલ્હી-પઠાણકોટ એક્સપ્રેસ, કાનપુર-ઉધમપુર એક્સપ્રેસ, છપરા-મથુરા એક્સપ્રેસ, રૉક ફોર્ટ ચેન્નઈ-તિરુચિલ્લાપલ્લી એક્સપ્રેસ, બેંગલુરુ-શિવમોગા એક્સપ્રેસ, ટાટા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ, દરભંગા-જાલંધર એક્સપ્રેસ, મુંબઈ-મથુરા એક્સપ્રેસ, મુંબઈ-પટણા એક્સપ્રેસ.
રેલવે આ ટ્રેનોની સ્પીડ માત્ર 5 કિમી પ્રતિ કલાક વધારીને 55 કિમી પ્રતિ કલાક કરશે. આ સિવાય અન્ય કોઈપણ લાભો અપાશે નહીં. જો કે એ વાતની કોઈ ગેરંટી નથી કે અપગ્રેડ બાદ પણ ટ્રેનો ટાઈમ પર ચાલશે કે નહીં. આમપણ શિયાળાની ઋતુમાં ધુમ્મસને કારણે ટ્રેનો લેટ જ થાય છે.રેલવે પાસે ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે, આ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં 890 સુપરફાસ્ટ ટ્રેનો મોડી પડી હતી. જુલાઈમાં 129, ઓગસ્ટમાં 145 અને સપ્ટેમ્બરમાં 183 સુપરફાસ્ટ ટ્રેનો એકથી લઈને 3 કલાક મોડી ચાલી હતી. જોકે જુલાઈ માસમાં 31 અને ઓગસ્ટ માસમાં 37 સુપરફાસ્ટ ટ્રેનો પોતાના શેડ્યુલથી 3 કલાક લેટ ચાલી હતી.
કેગે તેના રિપોર્ટમાં રેલવેની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે મુસાફરો પાસેથી સુપરફાસ્ટ ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ ટ્રેનો નક્કી કરેલી સ્પીડથી નથી ચાલતી અને ન તેમા સારી સુવિધાઓ અપાય છે.
ઘણા રેલવે સ્ટેશનો પર ટ્રેન 2થી 15 કલાક સુધી મોડી ચાલે છે. રેલવે પ્રમાણે, આ પૈકી 7 કારણો એવા છે જેમના પર તેમનું નિયંત્રણ નથી.તેમાં ચેન પુલિંગ, રેલવે ટ્રેક પર પ્રદર્શન, ખરાબ હવામાન, અકસ્માત અને ખરાબ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વગેરે સામેલ છે.રેલવેના નિયમો પ્રમાણે 15 મિનિટ મોડુ થાય તો તેને મોડું નહીં માનવામાં આવે. આ બાદ પંક્ચ્યુઅલ્ટી પેરામીટરને મિનિટના આધારે ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 16થી 30, 31થી 45 અને 46થી 60 મિનિટ. સૌથી મહત્વનો સેગમેન્ટ 1 કલાક કરતા વધારે મોડું થાય તે છે.