કોલકત્તાઃ પશ્વિમ બંગાળ વિધાસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીએ જંગી બહુમતી જીતી હતી. પરંતુ આ ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો પણ આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો હાંસલ કરી છે. ભાજપે જીતેલી ઘણી બેઠકો પૈકી કેટલીક બેઠકો પરની જીતની ચર્ચા સોશિયલ મિડીયામાં થઈ રહી છે. નંદીગ્રામની લડાઇમાં મમતાને પરાજિત કરનાર શુભેન્દુ અધિકારી ભાજપના છાવણીમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. આ સિવાય ભાજપમાંથી ચૂંટણી જીતીને એક સામાન્ય મહિલા ચંદના બાઉરીનું સોલતારા વિધાનસભા મતવિસ્તારમાંથી પણ વિધાનસભામાં પહોંચ્યા અંગેની ચર્ચા થઈ રહી છે.
દૈનિક વેતન મેળવતા મજૂરની પત્ની 30 વર્ષીય ચંદના બાઉરીનો કિસ્સો સાંભળીને દરેક લોકો અચરજ પામી ઉઠ્યા છે. ચંદના બાઉરીએ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સંતોષકુમાર મંડળને 4,000 મતોથી હરાવ્યા. ઝૂંપડામાં રહેતી ચંદના બાઉરીની જીત અંગેની વાત સોશિયલ મીડિયા પર ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખુબ જ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયો ઉપર કોઈ ચંદના બાઉરી જીતને લોકશાહીની ઓળખ ગણાવી રહ્યું છે, તો કેટલાક તેને સામાન્ય લોકો સુધી ભાજપની પહોંચ તરીકે ઓળખાવે છે. ચંદના બાઉરીએ ચૂંટણી ઉમેદવારી પત્ર ભરતા રજૂ એફિડેવિટ મુજબ તેમની પાસે કુલ 31,985 રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમના પતિની સંપત્તિ 30311 છે. આ સિવાય તેની પાસે ત્રણ ગાય અને ત્રણ બકરા છે.
ત્રણ બાળકોની માતા, ચંદના બાઉરીના બાંધકામ ઉદ્યોગમાં મજૂર છે. ભાજપની ટીકીટ મળતા જ ચંદના બાઉરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં વિજય થતા, બાઉરીની ચર્ચાઓ વધી ગઈ છે.
ભાજપ દ્વારા ટિકિટનીઅપાયાની જાહેરાત થયા બાદ ચંદના બાઉરીએ કહ્યું કે, ટિકિટ આપ્યાની જાહેરાત થઈ તે પહેલાં મને વિશ્વાસ નહોતો થયો કે મને રાજ્યમાં વિધાનસભાની ટિકિટ મળશે. મને ઘણા લોકોએ કહ્યું હતું કે, ભાજપમાથી ચૂંટણી લડવા માટે તમે ઓનલાઇન ટિકિટ માટે અરજી કરો.
લોકોના કહેવાથી મે ઓનલાઈન અરજી કરી હતી, પણ મને ખાતરી નહોતી કે મને ભાજપ તરફથી ટિકિટ મળશે. ટીએમસીમાંથી સ્વપ્ના બરૂઇ આ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ટીએમસીએ સ્વપ્ના બરૂઇને બદલે, સંતોષકુમાર મંડળને ટિકિટ આપી હતી.