નવી દિલ્હીઃ ક્યારેક આરટીઓના કામકાજ કરવું એ માથાનો દુઃખાવો સમાન બની જાય છે. ધીમે ધીમે હવે આરટીઓના કામકાજ લોકો માટે પ્રક્રિયા સરળ બનતી જાય છે. ત્યારે વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં નોમિનીના નામે વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બને તે માટે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે.માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હિકલ નિયમ,1989માં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.
હવે વાહન માલિકો અન્ય વ્યક્તિને પોતાના વાહન રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટમાં નોમિની તરીકે નોમિનેટ કરી શકે છે. વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં હવે વાહન નોમિનીના નામે થઈ શકશે. વાહન રી-રજિસ્ટ્રેશનનો નિયમ હળવો બનાવ્યો
માર્ગ અને પરિવહન મંત્રલાયે કરેલા સુધારાના કારણે હવે બેંક ખાતાની જેમ વાહનમાં પણ નોમિની નક્કી કરી શકાશે. માલિક તેના વાહનની નોંધણી સમયે નોમિનીનું નામ જાહેર કરી શકે છે. વાહન મલિક ઓનલાઈન એપ્લિકેશન કરીને પણ નોમિની નક્કી કરી શકે છે. જોકે, નોમિનીના ઓળખ પુરાવાની જરૂર પડશે.
વાહન અગાઉથી રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તેવા કિસ્સામાં વાહન માલિક ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી નોમિનીનું નામ એડ કરી શકે છે. વિગતો નાખ્યા બાદ વાહન માલિકના મૃત્યુ પ્રમાણપત્ર સંબંધિત અધિકારીઓને રજૂ કરવામાં આવે ત્યારે આપમેળે નોમિની ટ્રાન્સફર થઈ શકશે
અહેવાલ મુજબ માર્ગ અને પરિવહન મંત્રાલયે સામાન્ય લોકોની સરળતા માટે સુધારા કર્યા છે. ઘણી વખત વાહન માલિકના મૃત્યુ પછી બીજા વ્યક્તિને વાહન રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીઓ પડતી હતી. માલિકના મૃત્યુ પછી વાહનમાં નામ બદલવાની કાર્યવાહી ખૂબ જટિલ હતી. વિવિધ રાજ્યો અને આરટીઓ પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. અધૂરામાં પૂરું વિવિધ રાજ્યો અને આરટીઓ દ્વારા આ પ્રક્રિયા અલગ અલગ હોવાથી પ્રોસેસ વધુ જટિલ બનતી હતી.
મંત્રાલયે સુધારાની જાહેરાત કરી દેતા નવા ફેરફારો અમલમાં આવી ચુક્યા છે. હવે અગાઉથી પસંદ કરેલા નોમિની રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન ફેરવવા માટે અરજી કરી શકે છે. આરટીઓ સમક્ષ પુરાવા અને સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર 30 દિવસમાં અગાઉથી પસંદ કરાયેલ નોમિનીને રજિસ્ટ્રેશન સેર્ટિફિકેટ આપવામાં આવશે. નવા નિયમોમાં છૂટાછેડા, સંપત્તિના વિભાજન અથવા સંપત્તિના સ્થાનાંતરણ સહિતના અન્ય કિસ્સામાં નોમિની બદલવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.