ગીર ગઢડા શહેરમાં સિંહણનો આતંક: રહેણાંક વિસ્તારમાં સિંહણે પશુ પર હુમલો કરતા ભારે અફરાતફરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ગીર સોમનાથ જિલ્લાનું ગીર ગઢડા શહેર ગીર જંગલની બોર્ડર પર આવેલું હોવાથી અવારનવાર વન્યજીવો આંટો મારી જતા હોય છે. પરંતુ તાજેતરમાં શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને સ્થાનિક રહીશોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગીર ગઢડા શહેરના ભરચક ગણાતા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મોડી રાત્રે એક સિંહણ શિકારની શોધમાં ઘૂસી આવી હતી. સિંહણે રસ્તા પર બેઠેલા રખડતા પશુઓ પર અચાનક હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ રુંવાડા ઊભા કરી દેતી સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ગીર ગઢડાના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રાત્રિના સમયે સદંતર શાંતિ હતી અને રસ્તા પર કેટલાક રખડતા પશુઓ આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન જંગલમાંથી ભટકીને એક સિંહણ ખોરાકની શોધમાં ત્યાં આવી ચડી હતી. સિંહણે રોડ પર પશુઓનું ઝુંડ જોતા જ શિકાર કરવા માટે પોઝિશન લીધી હતી. સિંહણે એક ગાય પર તરાપ મારવા માટે જેવી દોડ મૂકી, કે તુરંત જ પશુઓને સિંહણની હાજરીની ગંધ આવી ગઈ હતી. સિંહણને પોતાની તરફ ધસી આવતી જોઈને ત્યાં બેઠેલા તમામ ગાયો અને આખલાઓમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની સેકન્ડોમાં આખો શાંત વિસ્તાર પશુઓની ચીસાચીસ અને દોડધામથી ગાજી ઉઠ્યો હતો.
એક તરફ સિંહણના હુમલાને કારણે પશુઓ પોતાની જાન બચાવવા આમતેમ દોડી રહ્યા હતા, ત્યારે બીજી તરફ એક અજીબોગરીબ અને રોમાંચક દ્રશ્ય સર્જાયું હતું. સિંહણના ડરથી ભાગતા પશુઓ વચ્ચે અચાનક જ બે તોતિંગ આખલાઓ સામસામે આવી ગયા હતા. સિંહણની હાજરી હોવા છતાં આ બંને આખલાઓ વચ્ચે રસ્તાની અધવચ્ચે જ ભયંકર યુદ્ધ ખેલાઈ ગયું હતું. બંને આખલાઓ એકબીજા સાથે શિંગડા ભરાવીને આક્રમક રીતે લડવા લાગ્યા હતા. એક તરફ સિંહણ શિકાર કરવા માટે ઘૂમતી હતી અને બીજી તરફ આ બે આખલાઓ જીવના જોખમે એકબીજા સાથે બાખડી પડ્યા હતા. આ દ્રશ્ય એટલું અદ્ભુત અને ડરામણું હતું કે સીસીટીવી ફૂટેજ જોનારા પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સિંહણે એક ગાયને પકડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ પશુઓની સતર્કતા અને આખલાઓની લડાઈ વચ્ચે સર્જાયેલી અફરાતફરીને કારણે સિંહણનો શિકાર મિસ થઈ ગયો હતો. આખરે પશુઓ હાથ ન આવતા અને વાતાવરણ વધારે ગરમાતા સિંહણ ત્યાંથી જંગલ તરફ પરત ફરી ગઈ હતી. આ સમગ્ર ઘટના સ્થાનિક મકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી. સવારે જ્યારે મકાન માલિકે સીસીટીવી ચેક કર્યા ત્યારે આ ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહણ કઈ રીતે તરાપ મારે છે અને ત્યારબાદ પશુઓ કેવી રીતે ભાગે છે.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગીર ગઢડા સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. જો કે, આ ઘટનાને પગલે હાઉસિંગ બોર્ડ વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અગાઉ પણ સીમ વિસ્તારમાં સિંહ જોવા મળતા હતા, પરંતુ હવે સિંહો સીધા રહેણાંક વિસ્તારોમાં અને સોસાયટીઓ સુધી આવી પહોંચ્યા છે, જે ગંભીર બાબત છે. રાત્રિના સમયે નોકરી-ધંધા પરથી મોડા આવતા લોકો અથવા વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકો માટે હવે મોટું જોખમ ઊભું થયું છે.