નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે. દેશના કેટલાક રાજ્યમાં કોરોનાનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે. લોકોને પણ થોડા અંશે રાહત મળી રહી છે ત્યારે લોકોના મનમાં એવું ચાલી રહ્યું છે કે થોડાક જ મહિનાઓમાં કોરોનાનો અંત આવી જશે પરંતુ નિષ્ણાંતો કંઈક અલગ જ કહી રહ્યા છે. સંક્રામક બીમારીઓના એક્સપર્ટ ડૉ. શાહિદ જમીલનું કહેવું છે કે ભલે અત્યારે કેસ ઓછા દેખાઈ રહ્યા હોય પરંતુ બીજી લહેરનો અંત થવામાં હજુ થોડાક મહિના લાગશે. શાહિદ જમીલના જણાવ્યા મુજબ જુલાઈના અંત સુધી બીજી લહેરનો અંત થશે.
તેઓએ એવું પણ કહ્યું કે દેશમાં બીજી લહેરના પ્રચંડ પ્રકોપની પાછળ નવો વેરિયન્ટ પણ જવાબદાર હોઈ શકે છે પરંતુ એ વાતના સંકેત નથી કે તે વધુ ઘાતક છે. તેઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં બીજી લહેરમાં કેસ એટલી ઝડપથી નહીં ઘટે જે રીતે સામાન્ય રીતે બીજી કે ત્રીજી લહેરમાં થાય છે.
ડૉ. શાહિદ જમીલનું કહેવું છે કે પહેલી લહેરમાં એક દિવસમાં દેશમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા 96-97 હજાર રહેતી હતી. તો તેની સામે બીજી લહેરમાં લગભગ 4 લાખ છે. તેથી આ લહેરને જવામાં પણ સમય લાગશે. આમ પણ હજુ અનેક રાજ્યો એવા છે જ્યાં નવા કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે.
આ ઉપરાંત, ડૉ. શાહિદ જમીલે જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી થનારા મોતના આંકડા પણ યોગ્ય નથી. તેમનું કહેવું છે કે આપણે જે રીતે કોરોના મોતના આંકડા એકત્ર કરીએ છીએ, તે પદ્ધતિ ખોટી છે.
તેઓએ કહ્યું કે દેશની કોરોનાની બીજી લહેર ફેલાવવા પાછળ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું અગત્યનું કારણ છે. આ ઉપરાંત તેઓએ ચૂંટણી રેલીઓ અને ધાર્મિક આયોજનો જેવા સુપરસ્પ્રેડિંગ ઇવેન્ટ્સને પણ કોરોનાના પ્રસારમાં જવાબદાર ગણાવ્યા.