નવી દિલ્હી: “લવ યૂ જિંદગી” ગીતના શબ્દો પર ઝૂમતી હોસ્પિટલના બિછાને 30 વર્ષની યુવતીનો વીડિયો જોયો હશે. ગત દિવસોમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેણીના ડૉક્ટરે લોકોને અપીલ કરી હતી કે તેના સ્વાસ્થ્ય અને ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરો. આ યુવતીનું ગઈકાલે નિધન થયું છે. ડૉક્ટર મોનિકાએ ગુરુવારે આ માહિતી આપી હતી.
આ યુવતીને શરૂઆતમાં હૉસ્પિટલ બેડ મળી ન હતી. જે બાદમાં તેણીને ICU વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં શરૂઆતમાં તેણીની તબિયાત બહુ ખરાબ ન હતી. જોકે, આખરે યુવતી કોરોના સામે જંગ હારી ગઈ છે. આ અંગે ટ્વિટર પર જાહેરાત કરતા ડૉક્ટર મોનિકાએ લખ્યું છે કે, “હું દિલગીર છું. આપણે ખૂબ જ બહાદૂર આત્માને ગુમાવી દીધો છે. ઓમ શાંતિ. તેણીના નાના બાળક અને તેનો પરિવાર આ દુઃખની ઘડી સહન કરી શકે તે માટે પ્રાર્થના કરો.”
દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ 30 વર્ષીય યુવતી કોરોનાની વિરુદ્ધ જંગ લડી રહી હતી. આ યુવતીએ અન્ય લોકોને પણ બીમારી સામે લડવાની પ્રેરણા આપી હતી. આ યુવતીની વાત હૉસ્પિટલની જ એક ડૉક્ટરે શૅર કરી હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોને ટ્વીટર પર ડૉક્ટર મોનિકા લંગેહે શૅર કર્યો હતો. વીડિયોમાં યુવતીના મોઢા પર ઓક્સિજન માસ્ક લાગેલો જોઈ શકાય છે અને સાથોસાથ ‘લવ યૂ જિંદગી’ ગીત પણ ચાલી રહ્યું છે.
આ વીડિયોને શૅર કરતાં ડૉક્ટર મોનિકાએ તેના કેપ્શનમાં લખ્યું હતું કે, “આ 30 વર્ષની યુવતીને આઇસીયૂ બેડ નહોતો મળ્યો. બાદમાં ગંભીર સ્થિતિમાં આ યુવતીની સારવાર કોવિડ ઇમરજન્સીમાં શરૂ કરવામાં આવી અને છેલ્લા દસ દિવસથી સારવાર ચાલી રહી છે. હાલ યુવતી એનઆઇવી સપોર્ટ પર છે. તેને રેમડેસિવિર દવા આપવામાં આવી ચૂકી છે અને તે પ્લાઝમા થેરાપી પણ લઈ ચૂકી છે. આ યુવતીની ઈચ્છાશક્તિ ખૂબ મજબૂત છે. તેણે આજે મને ગીત વગાડા માટે મંજૂરી માંગી, જેની મેં સ્વીકૃતિ આપી. શીખ- ક્યારેય હિંમતનો સાથ ન છોડો.”
ડૉક્ટર મોનિકા લંગેહે આ વીડિયોને 8 મેના રોજ ટ્વીટર પર શૅર કર્યો હતો. આ વીડિયોને અનેક વખતે લાઇક અને શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પર હજારોની સંખ્યામાં કૉમેન્ટર આવી છે. તમામ લોકોએ આ યુવતીની બહાદુરીના ખૂબ જ વખાણ કર્યા છે. જોકે, કાળમુખો કોરોના આ યુવતીને પણ ભરખી ગયો છે. ડૉક્ટરની જાહેરાત બાદ લોકો યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આ સાથે જ ડૉક્ટર મોનિકાએ ન્યૂઝપેપર્સ તેમજ મીડિયા ચેનલોને વિનંતી કરી છે કે યુવતીની સ્થિતિ અંગેની માહિતી મેળવવા માટે તેનો સંપર્ક ન કરવામાં આવે. ડૉક્ટર મોનિકાનં કહેવું છે કે આ યુવતી સાથે તેની લાગણી જોડાયેલી હતી. તેમનો પરિવાર પણ હાલ ખૂબ દુઃખમાં છે.