રક્ષાબંધન 2025: જાણો રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત અને તહેવારનું મહત્વ
રક્ષાબંધન, ભાઈ અને બહેન વચ્ચેના અજોડ પ્રેમનું પ્રતીક તહેવાર છે, જે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં આ પાવન તહેવાર 9 ઓગસ્ટ, શનિવારના રોજ આવી રહ્યો છે. આખા દેશમાં ભાઈ-બહેન ઉમંગભેર આ તહેવારની ઉજવણી કરે છે. બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોને જીવનભર રક્ષણ આપવાનો સંકલ્પ કરે છે.
આ વર્ષે રક્ષાબંધન ખાસ છે કારણ કે ભદ્રા કાળ સવારે સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે.
જેના કારણે આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવે છે. આજે કોઇપણ સમયે રાખડી બાંધી શકાય તેમ છે, ખાસ કરીને શુભ મુહૂર્ત સવારે ૫:૪૭ થી બપોરે ૧:૨૭ સુધી રહેશે. જો કે જે લોકો આ સમય ગુમાવી દે છે તેઓ માટે સાંજે ૭:૦૬ થી ૭:૨૭ સુધી ગોધૂળી વેળામાં પણ રાખડી બાંધી શકાય છે.
સવારના ૪:૨૨ વાગ્યાથી પવિત્ર કાર્યની શરૂઆત થઈ શકે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવી શુભ યોગોની રચના થઈ રહી છે, જે તહેવારના પવિત્રતામાં વધુ વધારો કરે છે. શ્રાવણ પૂર્ણિમા તેમજ શ્રાવણ નક્ષત્રના સંયોગમાં આવે છે, જેના કારણે આ દિવસ આધ્યાત્મિક રીતે પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે
બહેનોએ પોતાના ભાઈની પ્રગતિ માટે આજે આ 3 ઉપાય કરવા જ જોઈએ
રાખડી બાંધતા પહેલા, દેવી-દેવતાઓની પૂજા કરો. રાખડીને ગંગાજળથી સ્પર્શ કરીને તેને શુદ્ધ કરો. આ પછી, તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધો.
આ રાખડીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે, જે તમારા ભાઈને ખરાબ નજરથી બચાવશે.
રાખડી બાંધ્યા પછી, તમારા ભાઈના નામે ગાયને ચારો ખવડાવો. આનાથી તમને અને તેને બંનેને પુણ્ય મળશે. ઉપરાંત, પાછલા જન્મોના પાપોનો નાશ થશે.
આજે રાખડી બાંધ્યા પછી, મીઠાનો ઉપયોગ કરીને તમારા ભાઈ પરથી ખરાબ નજર દૂર કરો. આનાથી તે ખરાબ નજરથી મુક્ત થશે અને તેનું સ્વાસ્થ્ય સુધરશે.
તમે કેટલા સમય પછી રાખડી કાઢી શકો છો?
રાખડી કેટલા સમય સુધી પહેરવી જોઈએ? શાસ્ત્રોમાં આ અંગે કોઈ કડક નિયમો નથી. પરંતુ ધાર્મિક નિષ્ણાતો માને છે કે રાખડી 24 કલાક સુધી બાંધીને રાખવી જોઈએ. 24 કલાક પછી, તમે કોઈપણ શુભ મુહૂર્તમાં રાખડી કાઢી શકો છો.