મહુવાઃ તાઉતે વાવાઝોડાએ ગત અઠવાડિયે આખા ગુજરાતને ગમરોળી નાંખ્યું હતું. આ વાવાઝોડાના કારણે હજારો કરોડો રૂપિયાનું નુકસાન અને 45થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે ભાવનગર જિલ્લો પણ આ તારાજીમાંથી બાકી નથી રહ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત થયેલા વિસ્તારો પૈકીના ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આવી પહોંચ્યા હતા. CM રૂપાણ આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો માલમિલકત વગેરે ના નુકસાનની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ પઢીયારકા ગામના સરપંચ રેખાબેન બારીયા, ઉપસરપંચ આણંદ ભાઈ મકવાણા તેમજ પંચાયતના સભ્યો સાથે ગામમાં થયેલા નુકસાનની ઝીણામાં ઝીણી વિગતો મેળવી તંત્રને તાત્કાલીક સર્વે અને સહાય કરવા સૂચનાઓ આપી હતી. રૂપાણીએ ગામના સરપંચ પાસેથી થયેલા નુકસાનની વિગતો મેળવી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ઘરોની રજેરજની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મજની જેમ ગામના લોકો સાથે વાવાઝોડા દરમિયાન સૌ ક્યાં હતા? કેવી પરિસ્થિતિ સર્જાઇ હતી ? અને શું પગલાં લીધા ? તેની ઝીણામાં ઝીણી વિગતો પણ મેળવી હતી. મુખ્યમંત્રીએ ગ્રામજનોને આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈપણ બાબતની ચિંતા ન કરવા હૈયા ધારણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકાના અંતરિયાળ એવા આ ગામમાં 20 જેટલા ઘરોને નાનું મોટું નુકસાન થયું છે અને વીજળીના થાંભલા પણ ધરાશાયી થયા છે. સીએમ રૂપાણીએ સત્વરે ગ્રામજનો માટે શક્ય એટલી તમામ સુવિધા ઉપલબ્ધ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવા માં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેલી ના જાફરાબાદ રાજુલા અને ગીર સોમનાથ ના ઉના તાલુકાના ના અસરગ્રસ્ત ગામો ની મુલાકાત મુખ્યમંત્રી એ લીધી હતી.
મુખ્યમંત્રી સાથે આ અસરગ્રસ્ત ગામની મુલાકાત માં રાજ્ય મંત્રી શ્રીમતી વીભાવરી બહેન દવે,ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ જોડાયા હતા.