આજે વર્ષ 2021નું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. વિશ્વભરના લોકો આજે બ્લડ મૂન નિહાળવા આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે પૃથ્વીનો પડછાયો સૂર્ય પ્રકાશ અને ચંદ્ર વચ્ચે અવરોધ બને છે, ત્યારે ચંદ્ર પૃથ્વીની છાયા હેઠળ આવે છે. તેના જ પરીણામે આંશિક અથવા સંપૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. આજે એટલે કે 26 મેએ થનાર ચંદ્રગ્રહણ સંપૂર્ણ ગ્રહણ હશે. જેમાં ચંદ્ર પૃથ્વીના ઓર્બિટની સૌથી નજીકના પોઇન્ટ પર હશે.
ભારતના કયા ભાગમાં જોવા મળશે ચંદ્રગ્રહણઃ ભારતમાં સિક્કિમ સિવાય ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો, જેમ કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાનો અમુક ભાગ અને અંદમાન નિકોબાર દ્વિપ સમૂહોમાં આ ચંદ્ર ગ્રહણ જોઇ શકાશે. જ્યારે વિશ્વના અન્ય દેશોની વાત કરવામાં આવે તો આ ચંદ્રગ્રહણ સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા,પેસિફિક ઓશિયન અને ઇન્ડિયન ઓશિયનમાં પણ દેખાશે. તમે ચંદ્રગ્રહણને ઇન્ટરનેટ પર લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા પણ નિહાળી શકશો અને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શકશો. અહીં અમુક માધ્યમોની યાદી છે, જેના પરથી તમે ચંદ્રગ્રહણનું લાઇવ સ્ટ્રીમિંગ નિહાળી શકશો.
ગ્રીફીથ ઓબ્ઝર્વેટરી: અમેરીકાના લોસ એન્જલસમાં દ્વારા આજે આ ચંદ્ર ગ્રહણનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. તેણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર, બુધવારે બપોરના 2.15 વાગ્યાનું સ્ટ્રીમિંગ યુટ્યૂબ પર શિડ્યૂલ કર્યુ છે. જોકે કોરોનાની સ્થિતિના કારણે ઓબ્ઝર્વેટરી દ્વારા કોઇ પબ્લિક ઇવેન્ટ યોજવામાં નહીં આવે.
ધ વર્ચ્યુલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ: ઇટલીનો ધ વર્ચ્યુલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ દ્વારા આજે એટલે કે 26 મેએ એક નહીં પરંતુ બે લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એસ્ટ્રોફિઝિસીસ્ટ જીઆનલુકા મેસી સંચાલિત ધ ઓલનાઇ ઓબ્ઝર્વેટરી દ્વારા ચંદ્રગ્રહણનું પહેલું લાઇવ સ્ટ્રીમિંગ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે, જ્યારે સુપરમૂન બ્રોડકાસ્ટ ત્યાર બાદ રાત્રે કરવામાં આવશે.
લોવેલ ઓબ્ઝર્વેટરી: લોવેલ ઓબ્ઝર્વેટરી જેને હોમ ઓફ પ્લૂટો પણ કહેવાય છે. તે પણ વિશ્વભરના લોકોને આજની ઐતિહાસિક ખગોળીય ઘટનાના સાક્ષી બનવામાં મદદ કરવા અને બ્લડ રેડ મૂન નિહાળવાનો અવસર આપશે. આજે 26મેના દિવસે ઓબ્ઝર્વેટરી દ્વારા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર બપોરે 3 કલાકે યુટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એરિઝોના, યુએસમાં મલ્ટીપલ ટેલિસ્કોપ દ્વારા લોકોને ઘરે બેઠા આકાશી દ્રશ્યો નિહાળવા મળશે.
ઓબ્ઝર્વેટરીએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે, લોવેલ પ્રશિક્ષકો દ્વારા અમારા 14 પ્લેનવેવ ટેલિસ્કોપ અને પોર્ટેબલ વિક્સેન ટેલિસ્કોપ દ્વારા લોકોને ચંદ્ર ગ્રહણનું લાઇવ વ્યૂ દેખાડવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, નિષ્ણાંતો દ્વારા ચંદ્રગ્રહણની ઘટના પાછળના વિજ્ઞાન અંગે અને ચંદ્ર સાથે લોવેલના ઇતિહાસ અંગે જાણકારી પણ આપવામાં આવશે.