નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ બ્લેક ફંગસનો કહેર પણ ભારતમાં વધી રહ્યો છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વપરાતા ઈન્જેક્શનની અછત સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં દર્દીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઝાયડસ કેડિલા અને તાઇવાનની ફાર્માસ્યુટિકલ કંપની ટીએલસીએ બ્લેક ફંગસના દર્દીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. બંને ફાર્મા કંપનીઓએ જણાવ્યું હતું કે, તેઓએ ભારતમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે જરૂરી દવા લિપોસોમલ એમ્ફોટોરિસિન બીને વેચવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આવી સ્થિતિમાં અપેક્ષા છે કે, ટૂંક સમયમાં મ્યુકોરમાઇકોસિસની દવા ભારતમાં સરળતાથી મળી જશે.
ઝાયડસ કેડિલાએ કહ્યું કે બંને કંપનીઓએ ભારતમાં એમ્ફોટીએલસી વેચવા માટે કરાર કર્યા છે. કરારની શરતો મુજબ, ટીએલસી એમ્ફોટીએલસીનું નિર્માણ નોન-એક્સક્લુઝિવ ધોરણે કરશે અને ઝાયડસને સપ્લાય કરશે. ત્યાર બાદ ઝાયડસ કેડિલા ભારતમાં આ દવા વેચશે. કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, બ્લેક ફંગસના ઉપચાર માટે ભારત દવાઓની અછતનો સામનો કરી રહ્યું છે.
આવા સમયે તે તાત્કાલિક ધોરણે આ આવશ્યક દવા પ્રદાન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સલામત અને અસરકારક ઉપચાર દ્વારા જીવલેણ ચેપનો સામનો કરવાની જરૂરી છે. ટીએલસીના પ્રમુખ જ્યોર્જ યેએ કહ્યું હતું કે તેઓ ખૂબ જ જલ્દીથી એમ્ફોટીએલસીનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચાડશે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ટીએલસીની ન્યુ ડ્રગ એપ્લિકેશનને મંજૂરી આપી દીધી છે. ઝાયડસ કેડીલાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં બ્લેક ફંગસના કેસમાં વધારો જોતાં એમ્ફોટીએલસી દેશમાં લિપોસોમલ એમ્ફોટોરિસિન બીની ઉણપને દૂર કરવામાં મદદ કરશે. મ્યુકોર્માઇકોસિસ એ એક ગંભીર ફંગલ ચેપ છે, જેને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાથે જ કોવિડ -19 સાથે સંકળાયેલ મ્યુકોર્માઇકોસિસ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ અનુસાર, મ્યુકોર્માયકોસિસ જેવા ગંભીર પ્રણાલીગત ફંગલ ઇન્ફેક્શન માટે એમ્ફોટોએલસી એક લિપોસોમલ એમ્ફોટોરિસિન બી ઇન્જેક્શન છે.