નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર્સમાં અત્યારે કોઈપણ રાષ્ટ્રીય બાબતોમાં પોતાનું નિવેદન આપતા સહેજ પણ ખચકાતા નથી. ત્યારે તાપસી પન્નુ અને ઉર્મિલા માર્તોડકર પણ હવે બાબા રામદેવેની ટીકા કરી હતી. તાજેતરમાં જ બાબા રામદેવે એલોપથી વિરુધ્ધ નિવેદન કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. આ વિવાદના મધપૂડાના ઠારવા માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને, પણ દરમિયાનગીરી કરવી પડી હતી. જો કે મામલો ઠંડો પડી રહ્યો હતો ત્યારે જ ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને હારી ગયેલ ઉર્મિલા માર્તોડકરે સોશિયલ મીડિયામાં નિવેદનો કરીને પોતાની જાતને ચર્ચામાં રાખવાનો પ્રયાસ કર્યો છે.
બાબા રામદેવ એ એલોપથી બાબતે જે કોઈ નિવેદન કર્યુ છે તે ચોક્કસ વર્તમાન કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ બનીને રાત દિવસ દર્દીઓની સારવાર કરતા એલોપથી તબીબ સહીત મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફના અપમાન બરાબર હતું. જેના કારણે એક સમયે પંતજલીની કોરોનીલ દવાને બજારમા ઉપલબ્ધ કરાવવા સમયે બાબા રામદેવની બાજુમાં બેસનારા ખુદ આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને પણ બાબા રામદેવ વિરુધ્ધ નિવેદન કર્યુ હતુ અને તબીબોની ઘવાયેલી લાગણી અંગે માફી માંગવા જણાવ્યુ હતું.
બાબા રામદેવે એલોપથી તબીબો માટે કરેલા નિવેદનનો વિરોધ ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુએ કર્યો અને ત્યાર બાદ ઉર્મિલા માર્તોડકરે પણ બાબા રામદેવ વિરુધ્ધ સોશિયલ મીડિયામાં નિવેદન કરીને વિવાદ સર્જ્યો. આ બાબતે અનેક ટીકાકારોએ જણાવ્યુ કે, શુ જે રીતે તાપસી પન્નુ અને ઉર્મિલા માર્તોડકરે, બાબા રામદેવની સોશિયલ મીડિયામાં ટીકા કરી છે તો, શા માટે આ બન્ને હિરોઈન, કોરોના કાળમાં ધીકતી દુકાન ચલાવતી હોસ્પિટલો અને તબીબો સામે મૌન ધારણ કરીને બેઠી છે ?
દેશભરમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે, જાણીતી હોસ્પિટલોએ કે જાણીતા તબીબોએ કોરોનાની મહામારીને કાળી કમાણીનુ માધ્યમ બનાવી દીધુ હોય. પાંચ દિવસથી લઈને દસ દિવસની સારવારના લાખ્ખો રૂપિયા ખંખેરી લીધા હોવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. આવા કિસ્સામાં આ બન્ને હિરોઈન સહીત બાબા રામદેવની ટીકા કરનારાઓ ક્યારેય તેમના સોશિયલ મીડિયામાં એક હરફ ઉચ્ચાર્યો નથી.
કેટલાક કિસ્સાઓમાં તો, કોરોના માટે દાખલ થયેલા દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે તો, સારવારની ફિ ના ચૂકવાય, ત્યા સુધી મૃતદેહ પણ આપવાનો ઈન્કાર જાણીતી હોસ્પિટલો અને તબીબો દ્વારા કરાયો છે. આવા કિસ્સામાં તો પોલીસ કેસ પણ થયાના દાખલા આ કોરોનાકાળમાં બન્યા છે. પરંતુ આવા કિસ્સામાં મધ્યમવર્ગીય લોકોની સમસ્યાને વાચા આપવાને બદલે, સેલેબ્રિટી મૌન ધારણ કરે છે. કારણ કે તેમના આવા મુદ્દે સોશિયલ મીડિયામાં બહુ પ્રસિધ્ધિ મળતી નથી. આવા સેલેબ્રિટી ત્યા જ કુદે છે જ્યા તેમના નિવેદનને કારણે વિવાદ થાય અને લોકોની જીભે યેનકેન પ્રકારે તેમનુ નામ બોલાતુ રહે.
તાપસી પન્નુ અને ઉર્મિલા માર્તોજકરે જે કોઈ વિવાદમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો છે, તેના પ્રાયશ્ચિત રૂપે કોરોનાકાળમાં ધીકતો ધંધો કરતી હોસ્પિટલ અને તબીબોને, માનવતા દાખવવા માટેનુ નિવેદન પણ તેમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કરવુ જોઈએ તેમ ટીકાકારોનું કહેવું છે.