2027 ODI વર્લ્ડ કપમાં બનશે નવો રેકોર્ડ: ICCની જાહેરાત સાથે ઇતિહાસ રચવા તૈયાર ટૂર્નામેન્ટ
વર્લ્ડ કપ 2027 માટેની તૈયારીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા અત્યારથી જ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ ઇવેન્ટ અંગે શાસન મંડળ દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ વન-ડે વર્લ્ડ કપમાં રમતોની સંખ્યા અને ફોર્મેટને લઈને એક નવો ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે.
57 મેચો સાથે અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ કપ
ICC દ્વારા હાલમાં જ મેચોના સ્થળો અને ફોર્મેટની વિગતો જાહેર કરવામાં આવી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 57 મેચો રમાશે, જે વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં રમાયેલી મેચોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 2003ના વર્લ્ડ કપ દરમિયાન 54 મેચો રમાઈ હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ હતો. સરખામણીએ, ભારતમાં યોજાયેલા 2023ના વર્લ્ડ કપમાં માત્ર 48 મેચો રમાઈ હતી.

શરૂઆતમાં એવી અટકળો હતી કે આ વર્લ્ડ કપ પણ 2003ના ફોર્મેટ મુજબ 54 મેચોનો રહેશે, પરંતુ ICCએ ફોર્મેટમાં થોડો ફેરફાર કરીને મેચોની સંખ્યા વધારીને 57 કરી દીધી છે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે મુખ્ય યજમાન તરીકે મોટાભાગની મેચોનું આયોજન કરશે, જ્યારે સહ-યજમાન નામિબિયાને એક મેચ ફાળવવામાં આવી છે.
ટૂર્નામેન્ટનું નવું ફોર્મેટ: ‘સુપર સિરીઝ’ થી થશે શરુઆત
2027ના આ મહાકુંભની શરૂઆત એક નવી અને રોમાંચક ‘સુપર સિરીઝ’ સાથે થશે. આ પ્રારંભિક શ્રેણીમાં ત્રણ ટીમો ભાગ લેશે અને તેમની વચ્ચે કુલ 3 મેચો રમાશે. આ સુપર સિરીઝમાં જે ટીમ ટોચ પર રહેશે તે આગળના મુખ્ય તબક્કામાં પ્રવેશ કરશે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમોની સફર ત્યાં જ પૂરી થઈ જશે.
સુપર સિરીઝ બાદ મુખ્ય ગ્રુપ સ્ટેજ શરૂ થશે. આ તબક્કામાં કુલ 12 ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ સ્ટેજ દરમિયાન કુલ 30 રોમાંચક મુકાબલા ખેલાશે.
‘સુપર 7’ સ્ટેજ અને નોકઆઉટ મેચો
ગ્રુપ સ્ટેજમાંથી આગળ વધનારી ટીમો વચ્ચે ‘સુપર 7’ તબક્કો યોજાશે. આ તબક્કામાં કુલ 21 મેચો રમાશે. સુપર 7 સ્ટેજ પૂર્ણ થયા બાદ પોઇન્ટ્સ ટેબલની શ્રેષ્ઠ ટીમો વચ્ચે બે સેમિ-ફાઇનલ મેચો યોજાશે. ત્યારબાદ ટૂર્નામેન્ટનો આખરી અને મહત્ત્વનો ફાઇનલ મુકાબલો રમાશે. આ તમામ તબક્કાઓ મળીને કુલ મેચોની સંખ્યા 57 થશે.

2003 પછી આફ્રિકન ખંડમાં વાપસી
આશરે બે દાયકા કરતાં પણ વધુ સમય બાદ વન-ડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની ધરતી પર પાછો ફરી રહ્યો છે. છેલ્લે 2003માં આ દેશોમાં કેન્યા સાથે મળીને વર્લ્ડ કપ યોજાયો હતો. આ વખતે કેન્યાની જગ્યાએ નામિબિયાને ત્રીજા સહ-યજમાન તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
જોકે, આઇસીસીના પૂર્ણ સભ્ય ન હોવાના કારણે નામિબિયાની ટીમને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ (ડાયરેક્ટ ક્વોલિફિકેશન) મળ્યો નથી. તેથી નામિબિયાની ટીમ મેદાન પર રમી શકશે કે નહીં તે ક્વોલિફાઇંગ રાઉન્ડના પરિણામો પર નિર્ભર રહેશે.