ડેરેન સેમીના નિવેદન પર અલ્ઝારી જોસેફનો વળતો પ્રહાર: કહ્યું- હું સેમીનું નહીં પણ વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરું છું
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમમાં આંતરિક વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. ટીમના મુખ્ય કોચ ડેરેન સેમી અને સ્ટાર ઝડપી બોલર અલ્ઝારી જોસેફ વચ્ચે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં ન રમવા અંગે વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાને દૂર રાખવાના નિર્ણય બાદ સેમી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર હવે જોસેફે રોકડું અને તીખું વળતું પ્રહાર કર્યું છે.
ડેરેન સેમીના નિવેદનથી ઊભો થયો વિવાદ
વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં પાકિસ્તાન સામે ઘરઆંગણે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેમાં તેણે પ્રથમ મેચ 90 રને જીતીને શ્રેણીમાં સરસાઈ મેળવી લીધી છે. જોકે, અલ્ઝારી જોસેફ આ ટીમનો ભાગ નથી. શ્રેણી શરૂ થાય તે પહેલાં મુખ્ય કોચ ડેરેન સેમીએ જોસેફની ગેરહાજરી અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, “શ્રી જોસેફે પોતે જ પસંદગી માટે અસંમતિ દર્શાવી હતી. તેઓ ઈજામાંથી પુનઃપ્રાપ્ત થઈને પાછા આવી રહ્યા છે, અને તે પછી પણ તેમણે ટીમમાં પસંદગીનો ઇનકાર કરી દીધો હતો.” સેમીના આ નિવેદનથી એવો સંદેશ ગયો હતો કે જોસેફ ટીમને બદલે પોતાની મરજીને પ્રાધાન્ય આપી રહ્યા છે.

હું ડેરેન સેમી નહીં પણ દેશનું પ્રતિનિધિત્વ કરું છું: જોસેફ
ડેરેન સેમીના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા અલ્ઝારી જોસેફે એન્ટિગુઆ ઓબ્ઝર્વરના ‘જોજો સ્પોર્ટ્સ શો’માં પોતાની વાત રજૂ કરી હતી. જોસેફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં મુખ્ય કોચ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ બંને સાથે સીધી વાતચીત કરી હતી. જો તમે બોર્ડના સત્તાવાર નિવેદન પર નજર કરશો તો તેમાં સ્પષ્ટપણે મારા ન રમવાના વ્યક્તિગત અને તબીબી કારણો દર્શાવવામાં આવ્યા હતા.”
પોતાના કોચ પર નિશાનો સાધતા જોસેફે આગળ ઉમેર્યું, “ડેરેન સેમી લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ સારી રીતે જાણે છે કે મીડિયામાં આવા નિવેદનો આપવાથી તેની શું નકારાત્મક અસર પડે છે. સાચું કહું તો, મારે તેમના નિવેદન વિશે તેમને કંઈ કહેવું નથી. હું એક વ્યાવસાયિક ખેલાડી છું અને મારું કામ કરતો રહીશ. હું ડેરેન સેમીનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરું છું. તેથી આ વિવાદથી અમારા સંબંધો પર કોઈ ખાસ ફરક પડશે નહીં.”

ફિટનેસ અને વર્કલોડ અંગે આકરી સ્પષ્ટતા
પોતાની ગેરહાજરીનું સાચું કારણ જણાવતા અલ્ઝારી જોસેફે કહ્યું કે તેમનું શરીર સતત બેક-ટુ-બેક ટેસ્ટ રમવા માટે સક્ષમ નહોતું. તેમણે ઉમેર્યું, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરતા પહેલા હું સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે લગભગ આખા એક વર્ષ સુધી રમતથી દૂર રહ્યો હતો. પુનરાગમન કર્યા બાદ મેં તરત જ બે ટેસ્ટ મેચ અને સતત પાંચ વન-ડે મેચો રમી હતી. આટલા ભારે વર્કલોડ બાદ મારું શરીર તરત જ બીજી કઠિન ટેસ્ટ શ્રેણી રમવા માટે સંપૂર્ણપણે તૈયાર નહોતું.”
તેમણે સંકેત આપ્યો કે મુખ્ય કોચે મૂળ તબીબી કારણો અને વર્કલોડ મેનેજમેન્ટને સમજ્યા વિના જ જાહેરમાં વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું.