નવી દિલ્હી : ભારતના કંધાર કોન્સ્યુલેટ બંધ કરાવવાના સમાચારો અંગે પાકિસ્તાની સૈન્યના પ્રોપગેંડા વિંગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન (આઈએસપીઆર) ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતનું રોકાણ ડૂબતું હોય તેવું લાગે છે. હકીકતમાં, પાકિસ્તાન શરૂઆતથી જ અફઘાનિસ્તાનમાં ભારતની હાજરીનો વિરોધ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે કંધાર કોન્સ્યુલેટને સંપૂર્ણ રીતે બંધ કરી દીધું નથી. ભારતના કેટલાક અધિકારીઓ હજી પણ અહીં કટોકટી સેવાઓ માટે તૈનાત છે. જો કે, કંધાર કોન્સ્યુલેટમાં પહેલાથી જ તૈનાત કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષાના કારણોસર બદલી કરવામાં આવી છે. આ દિવસોમાં તાલિબાન લડવૈયાઓએ કંધારને ઘેરી લીધું છે અને તેઓ અફઘાન સૈન્ય સાથે ઘર્ષણ પણ કરી રહ્યા છે.
ડીજી આઇએસપીઆરએ પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા કટાક્ષમાં કહ્યું કે જો ભારતે અફઘાનિસ્તાનમાં સારું રોકાણ કર્યું હોત તો આજે નિરાશ ન થાત. તેમણે દાવો કર્યો હતો કે ભારતનું લક્ષ્ય અફઘાનિસ્તાનમાં પ્રવેશી પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનું હતું. એટલું જ નહીં, પાકિસ્તાન આર્મીના આ પ્રચાર વડાએ એમ પણ કહ્યું કે નવી દિલ્હી વિશ્વને કહેવાની કોશિશ કરી રહી છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સમસ્યાઓનું કારણ છે.
મેજર જનરલ ઇફ્તિખારે કહ્યું કે દુનિયા જાણે છે કે પાકિસ્તાને અફઘાન સમસ્યાને શક્ય તે રીતે હલ કરવા માટે પ્રયાસ કર્યો છે. પરંતુ તેઓ એ કહેવાનું ભૂલી ગયા કે તેમના પોતાના વિદેશ પ્રધાને પાકિસ્તાન સરકાર અને સૈન્ય વચ્ચે તાલિબાન સાથેના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકાર્યો છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રશીદે તો ત્યાં સુધી કહ્યું છે કે તાલિબાનના પરિવારના સભ્યો પાકિસ્તાનમાં રહે છે.