અમદાવાદમાં અવારનવાર પોલીસ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપે છે. ત્યારે વધુ એક જગ્યાએ શહેરમાં પોલીસે દારૂનો જથ્થો કટિંગ સમયે જ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે નારોલ પોલીસે ધર્મકુંજ એપાર્ટમેન્ટ સામેના મેદાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ કરતાં હતાં ત્યારે દરોડો પાડ્યો હતો. કિયા સેલ્ટોસ કાર અને રીક્ષામાં દારૂનું કટિંગ થતું હતું.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી હતી ધર્મકુંજ એપાર્ટમેન્ટ સામેની બાવળની ઝાડીવાળા મેદાનમાં બુટલેગર અને તેનો મળતીયો દારૂનો જથ્થો બહારથી મંગાવીને સગેવગે કરતો હતો. દરમિયાન નારોલ પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે દારૂ સગેવગે કરવાની કામગીરી થતી હોવાની બાતમી મળી હતી. તેથી પોલીસે મેદાનમાં બૂટલેગર તેના મળતીયાઓના વાહનમાં ફેરાફેરી કરવા વાહનો લઈને આવેલા હતા ત્યારે રેડ કરી હતી.