કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બકરી ઈદની નમાઝ દરમિયાન રોકેટ હુમલો થયો છે. આ હુમલાથી કેટલું નુકસાન થયું છે તે હજી જાણી શકાયું નથી. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પાસે થયો હતો.
ગૃહમંત્રાલયનું કહેવું છે કે ઈદની શરૂઆતના નિમિત્તે રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાષણ પૂર્વે અફઘાનિસ્તાનની રાજધાની પર ઓછામાં ઓછા ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. ભારે કિલ્લેબંધીવાળા ગ્રીન ઝોનમાં રોકેટ સંભળાયા હતા, જેમાં રાષ્ટ્રપતિ મહેલ અને કેટલાક દૂતાવાસો આવેલા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા મીરવાઈસ સ્ટેનીકઝાઇએ કહ્યું, “આજે અફઘાનિસ્તાનના દુશ્મનોએ કાબુલ શહેરના જુદા જુદા ભાગોમાં રોકેટ હુમલો કર્યો. બધા રોકેટ ત્રણ જુદા જુદા ભાગો પર ટકરાયા. અમારી પ્રાથમિક માહિતીના આધારે, કોઈ જાનહાનિ થઈ નથી. અમારી ટીમ તપાસ કરી રહી છે.”
આ હુમલાની મિનિટો પછી, ગનીએ તેમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રને સંબોધન શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં રાષ્ટ્રપતિ ભવનને રોકેટથી અનેક વખત નિશાન બનાવવામાં આવ્યા છે, જે છેલ્લી વખત ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ ભવન પર હુમલો થયો હતો.
અમેરિકન સૈન્યએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારથી અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાલિબાને અફઘાનિસ્તાનને સંપૂર્ણ રીતે કબજે કરી લીધું છે. આમાં તેનો પાડોશી દેશ પાકિસ્તાન પણ તાલિબાનને સમર્થન આપી રહ્યું છે. તાલિબાને ઘણા વ્યૂહાત્મક જીલ્લા, ખાસ કરીને ઈરાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનની સરહદ પરના નિયંત્રણ મેળવી લીધા છે.
તાલિબાન અફઘાનિસ્તાનના 421 જિલ્લા અને જિલ્લા કેન્દ્રોના ત્રીજા ભાગથી વધુનું નિયંત્રણ કરે છે. જો કે, તાલિબાનનો દાવો છે કે તેઓએ 85 ટકાથી વધુ જિલ્લાને કબજે કર્યા છે તે અતિશયોક્તિભર્યો દાવો જણાય છે.