Surat News કુખ્યાત ખંડણીબાજ ઈમ્તીયાઝ સદ્દામ અને સાહિલના ‘વરઘોડા’ બાદ પોલીસ પર ફૂલવર્ષા
સુરતના લાલગેટ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ખંડણીના બે અલગ અલગ કેસોમાં સુરત એસઓજીના હાથે ઝડપાયેલા રાંદેર રોડના કુખ્યાત ઈમ્તીયાઝ સદ્દામ અને તેના સાગરિત સાહિલનો એસઓજીએ વરઘોડો કાઢ્યો હતો ત્યારે સ્થાનિક લોકો અને મહિલાઓએ પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો હતો અને પોલીસ ઝીદાબાદના સૂત્રો પોકાર્યા હતા. સાથો સાથ લોકોએ ફટાકડા ફોડી પોલીસની કામગીરીની પોતાની રીતે પ્રશંસા કરી હતી.
વિગતો મુજબ અલફેશાની ટાવર જીલ્લાની બ્રિજ પાસે રાંદેર ખાતે રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ ઈકબાલ બચાવ અને તેના ભાઈ ફૈઝલ ઈકબાલ બચાવ તેમજ શાહિદ શબ્બીર ગોડીલે મહેબુબ ફકીરા પાસેથી 50 હજાર રુપિયાની ખંડણીની માંગ કરી હતી અને નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મહેબુબે 30 હજાર રુપિયા આપી દીધા હતા. બાદમાં મહેબુબે વધારે પડતી હેરાનગતિ થતાં લાલગેટમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
જ્યારે બીજી ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
આ ફરિયાદમાં ફરિયાદી અને ખારવા ચાલ, લંબહનુમાન રોડ, વરાછા ખાતે રહેતા વસીમ ખાન પાસેથી આ ખંડણીબાજ ટોળકીએ બે લાખ રુપિયાની માંગ કરી હતી. શરુઆતમાં 50 50 હજાર કરીને એક લાખ રુપિયા જેવી રકમ આપી દીધી હતી. ત્યાર બાદ દર મહિને હપ્તાની પણ માંગ કરવામાં આવી હતી. આ ટોળકીની ધાક ધમકીથી હેરાન થયેલા વસીમે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
બન્ને ફરિયાદોને ધ્યાને લઈ ખંડણીબાજોને કાયદોનું બાન કરાવવા માટે પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. મોટી સંખ્યામાં રાંદેર-ગોરાટ રોડ પર લોકો એકઠાં થયા હતા અને પોલીસની કામગીરીને વધાવી લીધી હતી.