અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં પરિણીતાને ઘરમાં ઘૂસીને પ્રેમી લઈ જતો હતો. આ વાતની જાણ તેના પિતાને હતી પણ આબરૂ બચાવવા માટે તેણે ફરિયાદ ન કરી. આ સમગ્ર પ્રકરણમાં પરિણીતાના પિતાએ પરિણીતાની આત્મહત્યા બાદ પ્રેમીના કારણે તેની દીકરીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.
અમદાવાદની યુવતીના ભિલોડા લગ્ન થયા હતા
એલિસબ્રિજ પાસે ભુદરપુર ઔડાના મકાનમાં રહેતા મંગુભાઈ પરમાર (ઠાકોર)- (નામ બદલેલું છે)ની દીકરી ભારતી (ઉંવ 24)(નામ બદલેલું છે)ના લગ્ન અરવલ્લીના ભિલોડામાં રહેતા યુવક સાથે થયા હતા. ભારતીના લગ્નજીવનમાં 3 વર્ષનો એક દીકરો છે. લગ્ન બાદ ભારતી અને તેનો પરિવાર ભિલોડામાં રહેતો હતો. પણ લોકડાઉનના કારણે ભારતીના પતિને કોઇ નોકરી ન હતી. ભારતીના પતિ જ્યારે કોઈ કામથી ઘરેથી બહાર જાય ત્યારે પાડોશમાં રહેતો દિનેશ બારીયા નામનો શખસ ઘરમાં ઘૂસી જતો અને તેને અડપલાં કરતો હતો. આ વાત ભારતીએ તેના પતિ અને પિતાને પણ કરી હતી, પણ દિનેશના ત્રાસ વધતા ગયા જેથી ભારતી અને તેનો પરિવાર અમદાવાદ રહેવા આવી ગયા હતા.