અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં હવે લૂંટારુંઓ બેફામ થઈ ગયા છે. મોડી રાતે હથિયારો સાથે લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. નાઈટ કર્ફ્યૂ હોવા છતાં શહેર અને જિલ્લા પોલીસની કામગીરી સામે ચેલેન્જ ફેંકતી ઘટનાઓ બની છે. અમદાવાદના ઘુમા લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોનગ્રીન બંગલોઝમાં આવેલા બંગલામાં ચુસ્ત સિક્યુરિટી વચ્ચે પાંચ હિન્દીભાષી લૂંટારુંઓએ હથિયાર સાથે ઘૂસી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘરમાંથી તેઓ સોનાના દાગીના, આઇપેડ, રોકડ અને BMW ગાડીની તેમજ ઘરની ચાવી પણ લઈ ગયા હતા.
FSl અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ
ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા DySP કે.ટી. કામરીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંગલોઝમાં પાછળના ભાગે ખેતરમાંથી લૂંટારુંઓ બંગલોઝમાં પ્રવેશ્યા હતા. પાછળના ભાગે કોઈ સીસીટીવી નથી. ગેટ આગળ એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ છે. FSl અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. આરોપીઓને પકડવા અંગે તજવીજ ચાલી રહી છે. પોલીસે ગુનો નોંધી બંગલોઝમાં લાગેલા સીસીટીવીની તપાસ શરૂ કરી છે.
ઘુમાના લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોનગ્રીન બંગલોઝમાં આવેલા 121 નંબરના બંગલામાં કિંજલ વેકરિયા પરિવાર સાથે રહે છે. તેઓ ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં નોકરી કરે છે. શુક્રવારે રાતે તેઓ ઘરે જમી પરવારી અને ઘરના તમામ દરવાજા બંધ કરી પતિ-પત્ની ઉપરના માળે માસ્ટર બેડરૂમમાં જ્યારે દીકરો ચિલ્ડ્રન રૂમમાં સૂઈ ગયો હતો. રાતે ત્રણેક વાગ્યાની આસપાસ માસ્ટર બેડરૂમનો દરવાજો ખખડતાં પતિ-પત્ની જાગી ગયા હતા. તેવામાં દરવાજો ખોલતા જ ચાર શખસ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને પતિ-પત્નીએ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોણ છે એવું પૂછતાં સામેથી હિન્દીમાં કહ્યું હતું કે, હમ ગુંડે હૈ અગર ચિલ્લાઓગે તો માર દેંગે. કોઈ હથિયાર વડે તેઓ દરવાજો ખખડાવતા અને તોડતા હતા.