કોવિડની બીજી લહેર દર્દીઓને હ્રદય, ફેફસાં, પેટ વગેેરેને લગતી લાંબા ગાળાની કેટલીય તકલીફો આપતી ગઇ છે. જેમાં અવિરત અને પુષ્કળ વાળ ખરવાની વધુ એક તકલીફ ઉમરાઇ છે. એપ્રિલ-મેમાં જોવા મળેલી લહેર પછી હવે ત્રણ મહિને દર્દીઓને મોટા પ્રમાણમાં વાળ ઉતરતાં હોઇ ડર્મેટોલોજિસ્ટ અને એમડીને ત્યાં વાળને લગતી સમસ્યાના દર્દીઓ વધી ગયા છે. એક એમડી-ડર્મેટોલોજિસ્ટને ત્યાં સરેરાશ રોજનાં 5થી 7 દર્દીઓ પોતાનાં વાળનાંં ગુચ્છા લઇને ફરિયાદ કરી રહ્યાં છે કે, ‘સર, મારો ચોટલો ત્રીજા ભાગનો થઇ ગયો.’
મને એમ હતું કે બોરનાં પાણીથી ઉતરે છે – દર્દી
કોવિડનાં એક મહિલા દર્દીએ જણાવ્યું કે, રોજે માથું ઓળતાં જેટલાં વાળ ઉતરતાં હતા તેનાથી દસગણા વાળ ઉતરવા લાગ્યા. શરૂઆતમાં મને લાગ્યું કે બોરનાં પાણીને લીધે વાળ ઉતરે છે. જોકે બાદમાં ડોક્ટરનો સંપર્ક કરતાં તેમણે કોવિડને લીધે ઉતરે છે તેમ જણાવ્યું હતું. મારે વાળનો જથ્થો ખૂબ હોઇ ક્યારેય ટાલ દેખાતી ન હતી. પરંતુ 15 દિવસમાં જ મારે ટાલ દેખાવા લાગી હતી. જેથી હું ગભરાઇ ગઇ હતી. જો કે ડોક્ટરે સારું થઇ જશે તેમ કહેતાં મને હાશકારો થયો હતો.
એક જ મહિનામાં 300 પેશન્ટ આવ્યા
એક મહિનામાં ફરિયાદોની શરૂઆત થઇ છે. જેમાં રોજનાં સરેરાશ 7થી 10 પેશન્ટ આવે છે. દર્દીઓ કહે છે કે પુષ્કળ વાળ ઉતરી રહ્યાં છે. કેટલાક કિસ્સામાં તો 60 ટકા સુધીનાં વાળ ઉતરી રહ્યાં છે. આ સ્થિતિને અમે ટેલોજન એફ્લુવિયમ તરીકે ઓળખીએ છીએ. કોવિડ દરમિયાન ભય, સ્ટ્રેસ, માંદગી, દવાને લીધે ડેમેજ થયેલા વાળ બે મહિને ખરવાનું શરૂ થાય છે. – ડો. વિષ્ણુ પટેલ, ડર્મેટોલોજિસ્ટ
વિટામીન, આયર્નની ઉણપથી વાળ ખરે
કોવિડ પછી બી12, ડી3 અને આયર્નની ઉણપથી વાળ ખરવા લાગે છે જે 8થી 9 અઠવાડિયા પછી શરૂ થાય છે. અમે દર્દીઓને 3થી 4 મહિના સુધી સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપીએ છીએ. જો યોગ્ય સપ્લીમેન્ટ્સ ન લેવાય તો વાળ ખરવાની સમસ્યા લાંબો સમય સુધી રહે છે.