પ્રથમથી સાતમા પગાર પંચ સુધી સરકારી કર્મચારીઓના પગારનો ઇતિહાસ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર પંચ એ માત્ર વેતન વધારાનું સાધન નથી, પરંતુ તેમના આર્થિક સ્તર અને જીવનધોરણને સુધારતી એક મહત્વપૂર્ણ વ્યવસ્થા છે. હાલમાં જ્યારે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર આગામી ૮મા પગાર પંચની ભલામણો અને નવા લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) પર ટકેલી છે, ત્યારે આ પગાર માળખાના ઐતિહાસિક પ્રવાસને જાણવો ખૂબ જ રસપ્રદ છે. આશરે આઠ દાયકાના સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ₹૫૫ થી વધીને ₹૧૮,૦૦૦ સુધી પહોંચ્યો છે.
પ્રથમ અને દ્વિતિય પગાર પંચ: આઝાદી પહેલાની શરૂઆત
ભારતમાં સરકારી કર્મચારીઓ માટે યોગ્ય પગાર નક્કી કરવાની આ વ્યવસ્થા દેશની આઝાદી પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. પ્રથમ કેન્દ્રીય પગાર પંચ ૧૯૪૬માં લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર ₹૫૫ પ્રતિ માસ નક્કી કરાયો હતો, જ્યારે મહત્તમ મૂળ પગાર ₹૨,૦૦૦ હતો. ત્યારબાદ ૧૯૫૯માં અમલમાં આવેલા બીજા પગાર પંચે આ લઘુત્તમ મર્યાદા વધારીને ₹૮૦ કરી અને મહત્તમ મર્યાદા ₹૩,૦૦૦ સુધી પહોંચાડી હતી.

ત્રીજું અને ચોથું પગાર પંચ: નોંધપાત્ર વૃદ્ધિનો તબક્કો
૧૯૭૩માં લાગુ કરાયેલા ત્રીજા પગાર પંચે કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આપ્યો અને લઘુત્તમ મૂળ પગાર વધીને ₹૧૯૬ પ્રતિ માસ થયો, જ્યારે મહત્તમ પગાર ₹૩,૫૦૦ નક્કી થયો. આ સમયગાળામાં પહેલીવાર ફુગાવાને ધ્યાનમાં રાખીને પગાર માળખામાં સુધારા કરવામાં આવ્યા હતા. આ પછી ૧૯૮૬માં ચોથું પગાર પંચ આવ્યું, જેણે લઘુત્તમ મૂળ પગાર વધારીને ₹૭૫૦ કર્યો અને મહત્તમ મૂળ પગાર આંકડો સીધો ₹૮,૦૦૦ સુધી પહોંચાડી દીધો.
પાંચમું અને છઠ્ઠું પગાર પંચ: આધુનિક પે સ્કેલની શરૂઆત
૧૯૯૬માં અમલી બનેલા પાંચમા પગાર પંચે સરકારી કર્મચારીઓના વેતનમાં માતબર વધારો કર્યો. લઘુત્તમ મૂળ પગાર ₹૭૫૦ થી વધીને સીધો ₹૨,૫૫૦ પ્રતિ માસ થયો અને મહત્તમ મર્યાદા ₹૨૬,૦૦૦ થઈ. વર્ષ ૨૦૦૬માં અમલમાં આવેલા છઠ્ઠા પગાર પંચે પે બેન્ડ અને ગ્રેડ પે ની નવી વિભાવના રજૂ કરી, જેનાથી લઘુત્તમ મૂળ પગાર ₹૭,૦૦૦ અને મહત્તમ મૂળ પગાર ₹૮૦,૦૦૦ ના સ્તરે પહોંચ્યો.

સાતમું પગાર પંચ અને ૮મા પંચ તરફ મીટ
વર્તમાન સાતમું પગાર પંચ વર્ષ ૨૦૧૬માં અમલમાં આવ્યું હતું. તેણે પે મેટ્રિક્સ સિસ્ટમ અમલમાં મૂકીને લઘુત્તમ મૂળ પગાર સીધો ₹૧૮,૦૦૦ પ્રતિ માસ કર્યો, જ્યારે કેબિનેટ સચિવ સ્તર માટે મહત્તમ મૂળ પગાર ₹૨.૫ લાખ નક્કી કર્યો.
હવે સૌથી મોટો અને ચર્ચાસ્પદ પ્રશ્ન એ છે કે ૮મા પગાર પંચ હેઠળ આ ₹૧૮,૦૦૦ નો આંકડો ક્યાં પહોંચશે? ૮મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર અને ફુગાવાના દરો આધારિત નવા મૂળ પગારની ગણતરીઓ ચાલુ છે. જોકે, સત્તાવાર આંકડો કમિશનની ભલામણો રજૂ થયા અને સરકારની મંજૂરી મળ્યા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ ભૂતકાળના ઈતિહાસને જોતાં કર્મચારીઓ મોટી વૃદ્ધિની આશા રાખી રહ્યા છે.