રાજ્યસભામાં માહિતી આપતા સરકારે કહ્યું છે કે હાલમાં દેશમાં 820 મિલિયન લોકો એટલે કે લગભગ 82 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ માહિતી આપતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેનું અંતર દૂર કરવા માટે સરકારે 157,383 ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે.
તૃણમૂલના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં પૂછ્યું કે શું સરકારે ઇન્ટરનેટના લેટેસ્ટ લેવલનો અંદાજ લગાવ્યો છે . આ સાથે, ડેરેક ઓ બ્રાયને સરકારને પૂછ્યું હતું કે શું હાલમાં ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચે ડિજિટલ અંતર છે અને જો આ અંતર હજુ પણ છે, તો સરકારે આ દિશામાં શું પગલાં લીધા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે પૂછેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેશની 1,57,383 ગ્રામ પંચાયતોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 31 માર્ચ 2021 સુધી દેશમાં 82.53 કરોડ (825.301 મિલિયન) ઇન્ટરનેટ ગ્રાહકો હતા. તેમણે કહ્યું કે ભારતના ગામોમાં 302 મિલિયનથી વધુ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ સંખ્યા 502 મિલિયનને વટાવી ગઈ છે.
રાજ્યસભામાં માહિતી આપતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ગામડાઓમાં ઇન્ટરનેટ સુવિધાને વધુ સારી બનાવવા માટે સરકારે તમામ ગ્રામ પંચાયતો અને ગામોમાં ભારતનેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 1 જુલાઇ સુધીમાં કુલ 1,57,383 ગ્રામ પંચાયતો હાઇ-સ્પીડ ઇન્ટરનેટ/બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 5,25,706 કિમી ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યું છે.