હાલમાં જ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જવાને કારણે ગુજરાતના મુખ્ય સચિવ જે એન સિંઘે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે ગઈકાલે એક આપાતકાલિન મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં નિષ્ણાતો દ્વારા અમદાવાદમાં એર પોલ્યુશનની સમસ્યા માટે એક્શન પ્લાન પર જલ્દીથી અમલ કરવાની વાત ઉઠાવી હતી. જેને 18 માસ કરતા વધુ સમયથી અભેરાઈએ ચઢાવી દેવાયો છે. મિટિંગમાં જે પ્રપોઝલ્સ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં પિરાણા ડમ્પ સાઈટને વેસ્ટ-ટુ-પાવર પ્રોજેક્ટમાં તબદીલ કરવાના પ્લાન અંગે પણ વાત કરાઈ હતી.
2001માં અમદાવાદને ભારતના 85 શહેરો પૈકી સૌથી વધારે પોલ્યુટેડ સિટીનો ખિતાબ અપાયો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને ભૂરેલાલ કમિટીની રચના કરી હતી. જેમનું કામ હતું કે એક્શન પ્લાન ફોર કંટ્રોલ ઑફ એર પોલ્યુશન ઈન અમદાવાદનું અમલ સુનિશ્ચિત કરવું. કમિટીએ CNG રિક્ષા અને CNGથી ચાલતા પબ્લિક ટ્રાંસપોર્ટની ભલામણી કરી હતી પરંતુ હવે AMC દ્વારા ડિઝલથી ચાલતી AMTS અને BRTS શરુ કરી દીધી છે. સ્પષ્ટતામાં જણાવાયું હતું કે આ બસો EURO-2,3 અને 4 સ્ટાન્ડર્ડ આધારિત છે.
મુખ્ય સચિવ સિંઘે કહ્યું હતું કે, ‘પીરાણા ડમ્પ સાઈટને પાવર-જનરેશન સાઈટમાં પરિવર્તિત કરવાના પ્રસ્તાવ પર નવેમ્બર માસના અંત સુધીમાં મહોર લાગી જાય તેવું અમે ઈચ્છીએ છીએ. આ અંગેના પ્રસ્તાવો સરકારને મોકલી આપવામાં આવ્યા છે. આ સિવાય આ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટેની શક્યતાઓની ચકાસણી માટે ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન અને કેટલાંક ટેક્નિકલ એક્ષપર્ટ્સ વચ્ચે મિટિંગ યોજાશે.’અમદાવાદમાં વધી રહેલા હવા-પ્રદુષણ અંગે ચેતવતા તંત્ર દ્વારા નાગરિકોને યોગ્ય પગલા લેવાની સલાહ આપવામાં આવી છે.