ટ્રાન્સપોર્ટરો ખુશખુશાલ! નેશનલ પરમિટ નિયમોમાં સરકારનો મોટો ફેરબદલ, જાણો કોને થશે સીધો ફાયદો?
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ દેશમાં ક્લીન એર્નજી અને પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે. ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૧૯૮૯’ માં સુધારાના ડ્રાફ્ટ મુજબ, નેશનલ પરમિટ સિસ્ટમ હેઠળ આવતા બેટરી ઓપરેટેડ (EV), હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત અને નેચરલ ગેસ (CNG/PNG) થી ચાલતા વાહનોની નિર્ધારિત વયમર્યાદામાં ૫ વર્ષનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ અંગેનો ડ્રાફ્ટ ૧૦ ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને મંત્રાલયે આ અંગે ૩૦ દિવસના સમયગાળામાં હિસ્સેદારો અને સામાન્ય જનતા પાસેથી વાંધા અને సూચનો મંગાવ્યા છે. આ તમામ સૂચનોની સમીક્ષા કર્યા બાદ જ ગેઝેટમાં આખરી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેના પછી જ આ નવા નિયમો દેશભરમાં અમલી બનશે.
નિયમ ૮૮ માં સુધારો: માત્ર ચોક્કસ વાહનોને જ મળશે લાભ
માર્ગ પરિવહન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ વયમર્યાદાનો વધારો ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ’ ના નિયમ ૮૮ (Rule 88) હેઠળ જ લાગુ થશે, જે નેશનલ પરમિટ મેળવતા વાહનોની ઉંમર નક્કી કરે છે.
અહીં ખાસ નોંધવું જરૂરી છે કે આ છૂટછાટ તમામ પ્રકારના કોમર્શિયલ વાહનો માટે સાર્વત્રિક (Blanket Extension) નથી. આ લાભ માત્ર અને માત્ર નીચે મુજબની કેટેગરીના વાહનોને જ મળશે:
બેટરીથી ચાલતા વાહનો (Electric Vehicles – EVs)
હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત વાહનો (Hydrogen Fuel Vehicles)
કુદરતી ગેસથી ચાલતા વાહનો (CNG / PNG Vehicles)
હાલમાં ડીઝલ કે પેટ્રોલથી ચાલતા પરંપરાગત વાહનોની તુલનામાં આ ક્લીન એનર્જી વાહનોની વયમર્યાદા ૫ વર્ષ વધી જવાથી ટ્રાન્સપોર્ટરોને આ વાહનોમાં રોકાણ કરવા માટે મોટું પ્રોત્સાહન મળશે.
ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન અને ઈ-ટ્રક અપનાવવા પાછળનું કારણ
સરકારનું આ કદમ કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણપૂરક વાહનોનો વપરાશ વધારવાના એક મોટા વિઝનનો ભાગ છે.
નીતિ આયોગ (NITI Aayog) ના ૨૦૨૫ ના ઈ-વ્હીકલ રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારતમાં ઈલેક્ટ્રિક ટ્રક (Electric Trucks) અપનાવવાની ગતિ હજુ પણ ખૂબ ધીમી છે. આંકડાઓ અનુસાર, ૨૦૨૪ માં દેશભરમાં માત્ર ૬,૨૨૦ ઈલેક્ટ્રિક ટ્રક વેચાયા હતા, જેમાંથી ૩.૫ ટનથી વધુ વજન ધરાવતા હેવી ટ્રકની સંખ્યા માત્ર ૨૮૦ જેટલી જ હતી.
ઈ-ટ્રક ન ખરીદવા પાછળનું સૌથી મોટું કારણ તેની ઊંચી પ્રારંભિક કિંમત (Upfront Cost) અને બેંકો તરફથી મર્યાદિત ફાઇનાન્સિંગ સુવિધા હોવાનું સામે આવ્યું હતું. હવે જો આ વાહનોની ઓપરેશનલ વયમર્યાદા ૫ વર્ષ વધી જાય, તો ટ્રાન્સપોર્ટર્સ પોતાની રોકાણ કરેલી મૂડી લાંબા ગાળે આસાનીથી વસૂલ કરી શકશે અને ઈ-વાહનો ખરીદવા તરફ વધુ આકર્ષાશે.

નેશનલ પરમિટ અને ડિજિટલ સુવિધાઓમાં મોટા સુધારા
આ ડ્રાફ્ટ નોટિફિકેશન માત્ર વાહનોની ઉંમર વધારવા પૂરતું સીમિત નથી, પરંતુ તે પરિવહન ક્ષેત્રને વધુ સરળ અને ડિજિટલ બનાવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.
મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત અન્ય મહત્વપૂર્ણ સુધારાઓ:
૧. ૫ વર્ષ માટે ઈલેક્ટ્રોનિક ઓથોરાઈઝેશન: ટ્રાન્સપોર્ટર્સ પોતાની ઈચ્છા મુજબ એક જ વારમાં ૫ વર્ષ સુધીના સમયગાળા માટે નેશનલ પરમિટ ઓથોરાઈઝેશન ઓનલાઈન મેળવી શકશે.
૨. ફી માળખું: આ પરમિટ માટે પ્રતિ વર્ષ ₹૧૬,૫૦૦ ફી નક્કી કરવામાં આવી છે, જે નેશનલ પરમિટ એકાઉન્ટમાં જમા થશે. જો કોઈ ટ્રાન્સપોર્ટર એકસાથે ૫ વર્ષ માટે પરમિટ લે છે, તો તેણે કુલ ₹૮૨,૫૦૦ ભરવાના રહેશે.
૩. વાહન (VAHAN) પોર્ટલનો ઉપયોગ: ફોર્મ ૪૬ (અરજી) અને ફોર્મ ૪૭ (ઓથોરાઈઝેશન) ને ડિજિટલ માધ્યમથી પ્રોસેસ કરવામાં આવશે. આ ઉપરાંત, ઓનલાઈન ફી ચુકવણીની પ પહોંચને માન્ય ગણવામાં આવશે.
૪. અન્ય ફેરફારો: સુધારેલા અસ્થાયી રજીસ્ટ્રેશન (Temporary Registration) નિયમો, ફોર્મ્સમાં વધુ વિગતો જાહેર કરવાની જરૂરિયાત અને ટ્રેડ સર્ટિફિકેટ ફ્રેમવર્ક હેઠળ કેટલાક ઓટોમોટિવ સ્પેરપાર્ટ્સ ઉત્પાદકોનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે.
