સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતીની સૂચિત રિલીઝ ડેઈટ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. આ મુદ્દે થિયેટરો સળગાવવાં, જાનથી મારી નાખવા અને હિંસા ફેલાવવાની ધમકી આપવામાં આવી રહી છે. દરમિયાન આ ફિલ્મમાં પદ્માવતીની મુખ્ય ભૂમિકા ભજવનાર બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણે જણાવ્યું છે કે મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને ન્યાયતંત્ર આ વિવાદમાં યોગ્ય નિર્ણય લેશે. સાથે સાથે દીપિકાએ એવું પણ જણાવ્યું છે કે આ ફિલ્મને લઈને જે હરકતો કરવામાં આવી રહી છે તે જોઈને મને હસવું આવે છે. પદ્માવતી માટે મેં મારા કીમતી બે વર્ષ આપ્યાં છે અને ફિલ્મને લઈને જે વિવાદ થઈ રહ્યો છે તેનાથી હું દુઃખી છું.
સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝને અટકાવી દેવામાં આવી હોવાની વાતને ફિલ્મ નિર્માતાએ પાયાવિહોણી ગણાવી છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પણ રાજપૂત કરણી સેનાના વિરોધથી માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મની રિલીઝ ટાળવામાં આવશે.
બીજી તરફ સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને મંજૂરી માટે આવેલી ફિલ્મ પદ્માવતીને હાલ પૂરતી પરત કરી છે. સંજય લીલા ભણશાળી નિર્દશિત આ ફિલ્મને સેન્સર બોર્ડે ટેકનિક આપત્તિના આધારે નિર્માતાઓને પરત કરી છે.
હવે જોવાનું એ છે કે આ ફિલ્મનો વિવાદ અટકશે કે પછી ફિલ્મ જ રિલીઝ નહિ થાય અત્યારે તો ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.