PLFS જુલાઈ 2026 રિપોર્ટ: દેશમાં બેરોજગારી ઘટીને 5.1% થઈ, ગ્રામીણ રોજગારીમાં ઉછાળો અને મહિલાઓની ભાગીદારીમાં મોટો વધારો!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
6 Min Read

શ્રમ બજારમાં મહિલાઓએ માર્યો બાજી! ગ્રામીણ ભારતે બદલ્યા રોજગારીના તમામ આંકડા

ભારતના શ્રમ બજાર (Labour Market) માં જુલાઈ 2026 દરમિયાન નોંધપાત્ર અને વ્યાપક સુધારો જોવા મળ્યો છે. દેશમાં કાર્યબળમાં ભાગ લેનારા લોકોની સંખ્યા વધી છે અને તેની સાથે જ ખરેખર રોજગાર મેળવનારા લોકોનો હિસ્સો પણ ઊંચો ગયો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં બેરોજગારીનો દર (Unemployment Rate) નીચે આવ્યો છે, જોકે શ્રમ બજારમાં થયેલો આ સુધારો શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ ભારતમાં વધુ મજબૂત અને સ્પષ્ટપણે જોવા મળ્યો છે.

સાંખ્યાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના તાજેતરના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના માસિક બુલેટિન મુજબ, 15 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટેનો એકંદર શ્રમ દળ ભાગીદારી દર (LFPR) જુલાઈમાં વધીને 55.4% થયો છે, જે જૂન મહિનામાં 54.4% હતો. તેવી જ રીતે વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) એટલે કે વસ્તી સામે રોજગાર મેળવનારાઓનો ગુણોત્તર પણ 51.4% થી વધીને 52.5% થયો છે. આ તરફ દેશનો એકંદર બેરોજગારી દર જૂનના 5.5% થી ઘટીને 5.1% નોંધાયો છે.

- Advertisement -

UNEMPLOYMENT 1.jpg

1. શ્રમ દળ ભાગીદારી (LFPR) અને વાસ્તવિક રોજગારી વધારવામાં ગ્રામીણ ભારત અગ્રેસર

શ્રમ દળ ભાગીદારી દર (LFPR) એ 15 વર્ષ કે તેથી વધુ વયની એવી વ્યક્તિઓનું પ્રમાણ માપે છે જેઓ કાં તો કામ કરી રહ્યા છે અથવા કામ કરવા માટે ઉપલબ્ધ છે અને કામની શોધમાં છે. માર્ચ અને મે વચ્ચેના ઘટાડા અને જૂન મહિનામાં સ્થિરતા બાદ, જુલાઈ મહિનામાં LFPR માં એક ટકાઉ વાર્ષિક સુધારો જોવા મળ્યો છે, જેમાં ગ્રામીણ ક્ષેત્રનો સિંહફાળો રહ્યો છે.

- Advertisement -
  • ગ્રામીણ વિ. શહેરી LFPR: ગ્રામીણ LFPR જૂનના 56.6% થી વધીને જુલાઈમાં 58% પર પહોંચી ગયો છે, જ્યારે શહેરી LFPR 50.1% થી સીમિત વધીને 50.4% થયો હતો.

  • વાર્ષિક સરખામણી (YoY): જુલાઈ 2025 ના 54.9% ની સરખામણીએ જુલાઈ 2026 માં ઓલ-ઈન્ડિયા LFPR 55.4% નોંધાયો છે. ગ્રામીણ ક્ષેત્રે આ દર 56.9% થી વધીને 58% થયો, પરંતુ શહેરી વિસ્તારોમાં તે 50.7% થી સામાન્ય ઘટીને 50.4% નોંધાયો છે.

બીજી તરફ, વાસ્તવિક રોજગારી ધરાવતા લોકોનું પ્રમાણ દર્શાવતો વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) પણ ગ્રામીણ ભારતના દમ પર સુધર્યો છે. જૂનમાં 51.4% ની સામે જુલાઈમાં દેશનો WPR 52.5% નોંધાયો. ગ્રામીણ WPR માં 1.6 ટકાનો જંગી ઉછાળો આવીને તે 55.4% થયો, જ્યારે શહેરી WPR 46.8% થી મામૂલી વધીને 47% પર પહોંચ્યો હતો.

2. શ્રમ બજારમાં મહિલાઓની ભાગીદારીમાં મોટો ધમાકો

જુલાઈ 2026 ના આંકડાઓમાં સૌથી આકર્ષક અને આશાસ્પદ બાબત મહિલાઓની આર્થિક ભાગીદારીમાં થયેલો ઝડપી વધારો છે. મહિલા શ્રમ દળ ભાગીદારી દરમાં આ મહિને મોટો ઉછાળો દર્જ થયો છે.

  • મહિલા LFPR માં વૃદ્ધિ: દેશમાં મહિલાઓનો એકંદર LFPR જૂનના 32.7% થી વધીને જુલાઈમાં 34.4% થયો છે, એટલે કે તેમાં એક જ મહિનામાં 1.7 ટકાનો સુધારો થયો છે.

  • ગ્રામીણ મહિલાઓ આગળ: ગ્રામીણ મહિલા LFPR 36.6% થી સીધો વધીને 38.8% થઈ ગયો છે, જ્યારે શહેરી મહિલા LFPR 24.8% થી વધીને 25.3% થયો હતો.

  • મહિલા WPR માં કૂદકો: ગ્રામીણ મહિલા WPR માં જૂનના 34.7% ના મુકાબલે જુલાઈમાં 2.5 ટકાનો મજબૂત વધારો થયો અને તે 37.2% સુધી પહોંચ્યો. શહેરી મહિલા WPR 22.7% થી વધીને 23.1% થયો છે.

વાર્ષિક દ્રષ્ટિએ જુલાઈ 2025 ના 33.3% થી વધીને જુલાઈ 2026 માં મહિલા LFPR 34.4% નોંધાયો છે. જોકે, ગ્રામીણ મહિલાઓની ભાગીદારી 36.9% થી વધીને 38.8% થવા છતાં, શહેરી મહિલા LFPR વાર્ષિક ધોરણે 25.8% થી ઘટીને 25.3% નોંધાયો છે જે એક ચિંતાજનક વિરોધાભાસ દર્શાવે છે.

- Advertisement -

Bank Jobs

3. દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો, પરંતુ શહેરી મહિલાઓમાં બેરોજગારી વધી

દેશમાં 15 વર્ષ અને તેથી વધુ વયજૂથના લોકો માટેનો એકંદર બેરોજગારી દર જૂનના 5.5% ની સરખામણીએ જુલાઈમાં ઘટીને 5.1% ના સ્તરે આવી ગયો છે.

ગ્રામીણ ક્ષેત્રે બેરોજગારીનો દર 5% થી ઘટીને ઝડપથી 4.5% થયો છે, જ્યારે શહેરી બેરોજગારી દર જૂનના 6.6% ની સરખામણીએ 6.7% પર સામાન્ય રીતે સ્થિર રહ્યો હતો. જાકે, જુલાઈ 2025 ના 7.2% ની સરખામણીએ શહેરી બેરોજગારીમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે.

  • પુરુષોની સ્થિતિ: પુરુષોમાં એકંદર બેરોજગારી દર જૂનના 5.3% થી ઘટીને જુલાઈમાં 5.0% થયો છે. ગ્રામીણ પુરુષ બેરોજગારી 4.9% થી ઘટીને 4.6% થઈ, જ્યારે શહેરી પુરુષ બેરોજગારી દર 5.9% રહ્યો.

  • મહિલાઓની સ્થિતિ અને અસમાનતા: જૂનની તુલનામાં મહિલા બેરોજગારી દરમાં એકંદરે ઘટાડો થયો છે પરંતુ શહેરી મહિલાઓ માટે પરિસ્થિતિ વિપરીત રહી છે. શહેરી મહિલા બેરોજગારી દર જૂનના 8.4% થી વધીને જુલાઈમાં 8.8% નોંધાયો છે. આ દર મહિલાઓના રાષ્ટ્રીય સરેરાશ બેરોજગારી દર (5.4%) કરતાં નોંધપાત્ર રીતે ઊંચો છે.

સર્વેક્ષણની પદ્ધતિ અને સેમ્પલ સાઈઝ

MoSPI દ્વારા જાહેર કરવામાં આવેલા જુલાઈ 2026 ના આ અંદાજો દેશભરના કુલ 3,71,021 લોકો પાસેથી એકત્રિત કરવામાં આવેલી માહિતી પર આધારિત છે, જેમાં ગ્રામીણ ક્ષેત્રના 2,11,411 લોકો અને શહેરી ક્ષેત્રના 1,59,610 લોકોનો સમાવેશ થાય છે.

આ માસિક અંદાજો કરંટ વીકલી સ્ટેટસ (CWS) એપ્રોચનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શ્રમ બજારના નિર્દેશકોના વધુ સચોટ માસિક અને ત્રિમાસિક આંકડા પૂરા પાડવા માટે જાન્યુઆરી 2025 થી PLFS ની ગણતરી પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો હતો.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.