નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો ભાગ આવતા મહિને યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે IPL 14 ના બીજા ભાગ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ 13 ઓગસ્ટના રોજ યુએઈ જવા રવાના થઈ રહ્યા છે.
આઇપીએલ સીઝન 14 ના બીજા ભાગમાં 31 મેચ રમાવાની છે, જે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. IPL 14 ની અંતિમ મેચ 15 ઓક્ટોબરે રમાવાની છે. યુએઈની પરિસ્થિતિને અનુકૂળ થવા અને વધુ સારી તૈયારી કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ એક મહિના અગાઉ યુએઈ જવા રવાના થઈ રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદન બહાર પાડીને ખેલાડીઓને યુએઈ જવા માટે જાણકારી આપી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે, 13 ઓગસ્ટના રોજ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ યુએઈ જવા રવાના થશે. ક્વોરેન્ટીન અવધિ પૂર્ણ થયા બાદ જ ખેલાડીઓ અબુ ધાબીમાં તેમની તૈયારીઓ શરૂ કરશે.
અન્ય ટીમો પણ ટૂંક સમયમાં રવાના થઈ રહી છે
જોકે, મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ રિલાયન્સ કોર્પોરેટ પાર્કના જિયો સ્ટેડિયમમાં પોતાની તૈયારીઓ શરૂ કરી હતી. જોકે આ કેમ્પમાં માત્ર સ્થાનિક ખેલાડીઓ જ સામેલ હતા. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના સ્થાનિક ખેલાડીઓ પણ યુએઈ જઈ રહ્યા છે.
આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે પણ જાહેરાત કરી હતી કે તેના ખેલાડીઓ 13 ઓગસ્ટના રોજ યુએઈ જશે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિશે પણ જાણવા મળ્યું કે તેમના ખેલાડીઓ 15 ઓગસ્ટ પહેલા યુએઈ પહોંચી જશે.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14 ની શરૂઆત 9 એપ્રિલથી થઈ હતી. પરંતુ મેના પ્રથમ સપ્તાહમાં બાયો બબલ બ્રેકને કારણે ટુર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. આઇપીએલ 14 માં મેના પ્રથમ સપ્તાહ સુધી 29 મેચ રમાઇ હતી. હવે બાકીની 31 મેચ યુએઈમાં રમાવાની છે.