પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મોઇઝેસ હેનરિકેસનો પોર્ટુગલ માટે ધમાકો: ૨૧૭ ના સ્ટ્રાઇક રેટથી ફટકારી વિસ્ફોટક સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અવારનવાર રસપ્રદ અને આશ્ચર્યજનક કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઇઝેસ હેનરિકેસે જે કરી બતાવ્યું છે તે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. ૩૯ વર્ષીય હેનરિકેસે હવે પોર્ટુગલ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે અને પોતાની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં જ તેણે વિસ્ફોટક સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે.
ફિનલેન્ડ ખાતે રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં પોર્ટુગલની કમાન સંભાળી રહેલા હેનરિકેસે ચેક રિપબ્લિક સામે શાનદાર આક્રમક બેટિંગ કરી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની પ્રથમ સદી પણ છે, જે તેણે ૨૧૭ થી પણ વધુના સ્ટ્રાઇક રેટથી બનાવી હતી.
૫૧ બોલમાં ૧૧૧ રન: ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગાની રમઝટ
ચેક રિપબ્લિક સામેની મેચમાં પોર્ટુગલના સુકાની મોઇઝેસ હેનરિકેસે ક્રિઝ પર આવતાની સાથે જ તોફાની અંદાજમાં બેટિંગ શરૂ કરી હતી. તેણે માત્ર ૫૧ બોલનો સામનો કરીને ૧૧૧ રનની અણનમ અને વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. પોતાની આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન તેણે ૨૧૭.૬૪ ના અત્યંત ઝડપી સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા ૧૨ ચોગ્ગા અને ૭ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

હેનરિકેસની આ તોફાની સદીના દમ પર પોર્ટુગલે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૨૧૧ રનનો વિશાળ સ્કોર ખડકો કર્યો હતો. ૨૧૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેક રિપબ્લિકની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી ત્યાં સુધીમાં તેમણે માત્ર ૮.૫ ઓવરમાં ૨૪ રનમાં જ ૫ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં ડકવર્થ-લુઇસ (DLS) નિયમ મુજબ પોર્ટુગલને ૯૧ રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાથી પોર્ટુગલ સુધીની અનોખી સફર
બહુ ઓછા લોકો જાણે છે કે મોઇઝેસ હેનરિકેસનો જન્મ પોર્ટુગલના મડેઇરા ખાતે થયો હતો, પરંતુ બાદમાં તેઓ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા હતા. તેણે ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણેય ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કર્યું છે.
ઓસ્ટ્રેલિયન કારકિર્દી: ૨૦૦૯ થી ૨૦૨૧ વચ્ચે તેણે ઓસ્ટ્રેલિયા માટે ૧૧ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૩૫ રન બનાવ્યા હતા અને ૩ વિકેટ ઝડપી હતી.
IPL અનુભવ: હેનરિકેસ આઇપીએલ (IPL) નો પણ જાણીતો ચહેરો રહ્યો છે, જ્યાં તેણે વિવિધ ફ્રેન્ચાઇઝીઓ માટે કુલ૬૨ મેચો રમી છે.
હવે પોતાના જન્મભૂમિ પોર્ટુગલ તરફથી રમવાની તક મળતા જ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને તેણે પહેલા જ ચરણમાં પોતાના અનુભવ અને કૌશલ્યનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો છે.
પોર્ટુગલનો સતત ચોથો વિજય, હવે સ્પેન સામે મહામુકાબલો
ચેક રિપબ્લિક સામેની જીત સાથે પોર્ટુગલે આ ટુર્નામેન્ટમાં પોતાની સતત ચોથી જીત દર્જ કરી છે. મોઇઝેસ હેનરિકેસ હાલમાં ૩ ઇનિંગ્સમાં ૧૭૮ રન બનાવીને સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ પોર્ટુગલની બોલિંગ પણ શાનદાર રહી છે; તેમના ફાસ્ટ બોલર સેબેસ્ટિયન ક્રુઝ ડી ઓલિવેરાએ ૪ મેચોમાં ૯ વિકેટ ઝડપીને બોલિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

પોર્ટુગલની ટીમનો આગામી મુકાબલો ૨૧ ઓગસ્ટે સ્પેન સામે થવાનો છે. સ્પેનની ટીમ પણ પોતાના ગ્રુપ A માં સતત ચાર મેચ જીતીને અજેય રહી છે (તેમણે તેમની છેલ્લી મેચમાં બલ્ગેરિયાને ૯ વિકેટે હરાવ્યું હતું). આ હાઇ-વોલ્ટેજ મેચનો વિજેતા ૨૦૨૮ ના ICC મેન્સ T20 વર્લ્ડ કપના મુખ્ય ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રવેશ કરશે, જ્યાં તમામની નજર ફરી એકવાર હેનરિકેસ પર રહેશે.
