ભારતીય વાયુસેનાએ F-16 તોડી પાડ્યા: અમેરિકાએ જવાબ આપવાનો ઇનકાર કર્યો, પાકિસ્તાનને પૂછવાનું કહ્યું
વિશ્વભરમાં ચર્ચાસ્પદ બનેલા F-16 વિવાદ પર ફરી એકવાર અમેરિકા માટે ઊંડો પ્રશ્ન ઊભો થયો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનના કેટલાંક F-16 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા છે. જોકે, પાકિસ્તાને ભારતના આ દાવાને સંપૂર્ણપણે ફગાવ્યા છે અને હવે અમેરિકાએ પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનો ઈન્કાર કર્યો છે.
આ મામલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, “અમે તમને આ મામલે પાકિસ્તાન સરકાર સાથે સંપર્ક કરવા માટે કહેશું.” અમેરિકાએ પોતે કોઈ પણ પ્રકારની પુષ્ટિ આપવાની ટાળી છે, જેણે આ વિવાદને વધુ વેગ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પાસે રહેલા F-16 વિમાનો પર 24×7 ટેકનિકલ મોનિટરિંગ કરવાની જવાબદારી અમેરિકાની ટેકનિકલ સપોર્ટ ટીમ્સ (TST) ની હોય છે. આ મોનિટરિંગ ટીમ્સ અને પ્રક્રિયા યુએસ-પાકિસ્તાન વચ્ચેના સંયુક્ત કરાર હેઠળ ચાલી રહી છે, જેમાં વિમાનોના ઉપયોગ માટે નિર્ધારિત શરતો છે.
ભારતીય વાયુસેનાનો દાવો
એર ચીફ માર્શલ એપી સિંહના જણાવ્યા મુજબ, “શાહબાઝ-જેકોબાબાદ એરબેઝ પરના F-16 હેંગરનો અડધો ભાગ નાશ પામ્યો હતો. અમને ખાતરી છે કે અંદરના ઘણા વિમાનોને ગંભીર નુકસાન થયું હતું.” તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય હુમલાના લક્ષ્યોમાં સુક્કુરનું UAV હેંગર, ભોલારીનું AEW&C હેંગર અને જેકોબાબાદનું F-16 હેંગર સામેલ હતું. ભારતે કુલ 6 પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
પાકિસ્તાનનો વિરોધ
પાકિસ્તાને ભારતના તમામ દાવાઓનો ઇનકાર કરતાં કહ્યું કે “જો ભારત સત્ય બોલી રહ્યું છે, તો બંને દેશો તેમના વિમાનો જાહેર કરે.” પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ આરોપ મૂક્યો કે ભારત અસલી તથ્યો છુપાવી રહ્યું છે.
આ મામલે યુએસ પેન્ટાગોન અને સંરક્ષણ વિભાગના પ્રવક્તાઓએ પણ હવે સુધી કોઈ સ્પષ્ટ ટિપ્પણી આપી નથી. તેઓએ માત્ર FOIA (Freedom of Information Act)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ કોઈ નવા દસ્તાવેજો બનાવવામાં ફરજિયાત નથી, અને સીધા જવાબ આપવાની જરૂર નથી.
ભૂતકાળના વિવાદ અને હાલની મૌનતા
2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જ્યારે ભારતે એક F-16 તોડી પાડ્યાનો દાવો કર્યો હતો, ત્યારે અમેરિકન અધિકારીઓએ ફોરેન પોલિસી મેગેઝિનમાં કહ્યું હતું કે F-16 વિમાનોની સંખ્યા પુરી છે. પરંતુ આજના મૌન વલણથી આશ્ચર્ય ફેલાયું છે.
આ સમગ્ર વિવાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી ગરમાઈ રહ્યો છે – જેમાં યુએસનો અનિશ્ચિત જવાબ, ભારતનો દાવો અને પાકિસ્તાનનો વિરોધ… ત્રણેય દેશોની રાજનૈતિક નીતિઓ અને સૈન્ય શક્તિ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.