ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સપ્ટેમ્બર ડિલિવરી માટે ખરીદાયેલા મોંઘા ગેસની સીધી અસર
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ અને ઈરાન સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં મોટો ભડકો થયો છે. એલએનજી (Liquefied Natural Gas) ના પુરવઠામાં સર્જાયેલા ગંભીર વિઘ્નોના પરિણામે ભારતીય ઊર્જા કંપનીઓને ઈતિહાસની સૌથી મોંઘી કિંમતે ગેસ ખરીદવાની ફરજ પડી રહી છે. વર્ષ ૨૦૨૨ માં રશિયા-યુક્રેન યુદ્ધ વખતે સર્જાયેલી સ્થિતિ બાદ ભારતમાં આ સૌથી મોંઘી LNG ખરીદી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના આસમાને પહોંચેલા ભાવોને કારણે આગામી દિવસોમાં ભારતમાં એલપીજી (LPG) સિલિન્ડર અને પીએનજીના ભાવમાં મોટો વધારો થવો લગભગ નક્કી માનવામાં આવે છે.
ગેઈલ અને જીએસપીસીએ પ્રતિ MMBtu $૨૩ થી વધુ ચુકવ્યા
ભારતમાં ગેસ કટોકટી કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, દેશની અગ્રણી સરકારી ગેસ કંપની ગેઈલ ઈન્ડિયા (GAIL India) એ સપ્ટેમ્બર મહિનાની ડિલિવરી માટે સ્પોટ માર્કેટમાંથી ખરીદેલા LNG શિપમેન્ટ માટે પ્રતિ MMBtu (મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) $૨૩ થી પણ વધુની આકરી કિંમત ચૂકવી છે. આ જ રીતે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) એ પણ સપ્ટેમ્બરમાં આવનારા કાર્ગો માટે પ્રતિ MMBtu $૨૩ નો ઊંચો દર ચૂકવવો પડ્યો છે.

આ ઉપરાંત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ પણ આ જ અઠવાડિયે સ્પોટ માર્કેટમાંથી એલએનજી ખરીદવાના કરાર કર્યા છે, જોકે ગોપનીયતાના કારણે કંપનીએ ચૂકવેલી રકમ જાહેર કરી નથી.
કતારના ટર્મિનલને નુકસાન અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ
ભારત પોતાની મોટાભાગની ગેસ જરૂરિયાત પૂરી કરવા માટે સામાન્ય રીતે વિશ્વના સૌથી મોટા સપ્લાયર્સ પૈકીના એક એવા કતાર સાથે લાંબા ગાળાના કરારો પર નિર્ભર રહે છે. પરંતુ માર્ચ મહિનામાં ઈરાની હુમલા દરમિયાન કતારના મુખ્ય LNG નિકાસ ટર્મિનલને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ સિવાય, દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી જહાજોની અવરજવર પર વિપરીત અસર પડી છે.

બીજી તરફ, દેશમાં ખેતી ક્ષેત્ર માટે અત્યંત જરૂરી એવા ખાતર (Fertilizer) ના ઉત્પાદનને જાળવી રાખવા માટે કુદરતી ગેસનો સતત પુરવઠો આપવો સરકાર માટે પ્રાથમિકતા છે. ખાતર કારખાના ચાલુ રાખવાના દબાણ હેઠળ સરકારી ઊર્જા કંપનીઓને ખુલ્લા બજારમાંથી મોંઘા ભાવે ગેસ ખરીદવાની મજબૂરી ઊભી થઈ છે.
યુરોપ તરફથી આકરી સ્પર્ધા અને આગામી આર્થિક બોજ
ભારત માટે માત્ર પુરવઠાની અછત જ નહીં, પરંતુ યુરોપિયન ખરીદદારો તરફથી મળી રહેલી આકરી સ્પર્ધા પણ મુશ્કેલી વધારી રહી છે. યુરોપમાં ગેસના ભાવ છેલ્લા પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હોવાથી યુરોપિયન દેશો ઊંચા ભાવ આપીને મોટા પ્રમાણમાં કાર્ગો ખરીદી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી ઊંચી કિંમતે ખરીદાયેલા ગેસની સીધી અસર આવનારા દિવસોમાં ભારતીય ઉપભોક્તાઓ પર પડશે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર પડી રહેલો આ આર્થિક બોજ આગામી સમયમાં રાંધણગેસ (LPG) ના ભાવ વધારા સ્વરૂપે સામાન્ય જનતાના ખિસ્સા પર આવવાની પૂરેપૂરી આશંકા છે.
