ગુજરાતમાં રાજકોટ પશ્ચિમની વિધાનસભા સીટને VVIP સીટ માનવામાં આવે છે. આ સીટ ગુજરાતની સાથે સાથે આખા દેશ માટે મહત્વની માનવામાં આવે છે. આ બેઠક પરથી ચૂંટણી લડીને જીતનારના નસીબ ચમકી જાય છે. આ સીટ પરથી ચૂંટણી લડી જીતનારમાંથી એક રાજ્યપાલ છે, એક મુખ્યમંત્રી છે અને એક વડાપ્રધાન છે.
નરેન્દ્ર મોદી જ્યારે 2002માં પહેલી વાર ચૂંટણી લડવા ઉતર્યા ત્યારે તેમણે અમદાવાદની એલિસબ્રિજ સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યા એલિસબ્રિજ પરથી લડતા હતા. હરેન પંડ્યાએ મોદી માટે સીટ ખાલી કરવાની મનાઈ કરી દીધી હતી. ત્યાર પછી મોદીએ પશ્ચિમ રાજકોટની સીટ પર પસંદગી ઉતારી હતી.
પશ્ચિમ રાજકોટ એ ભાજપની પરંપરાગત સીટ છે. 1985થી આ સીટ પર ભાજપનો કબ્જો છે. 1985થી વજુભાઈ વાળા આ સીટ પરથી ધારાસભ્ય બનતા આવ્યા છે. નરેન્દ્ર મોદીએ જ્યારે આ સીટ પરથી લડવાનું નક્કી કર્યું ત્યારે વજુ વાળાએ ધારાસભ્યના પદ પરથી રાજીનામુ આપી દીધુ અને આ સીટ મોદીને સોંપી દીધી. મોદી ચૂંટણી જીતને રાજ્યના મુખ્યમંત્રી બની ગયા.
2007માં નરેન્દ્ર મોદીએ આ બેઠક વજુભાઈ વાળા માટે ખાલી કરી દીધી અને વજુભાઈ ફરી આ બેઠક પરથી જીતી ગયા. 2012માં પણ વજુભાઈએ પોતાનો રેકોર્ડ બરકરાર રાખ્યો અને સતત સાતમી વાર ચૂંટણી જીત્યા.2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે પોતાની સીટ છોડવા વાળા વજુભાઈ વાળાને તેનું ઈનામ આપ્યુ અને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવી દીધા. આ સીટ ખાલી થતા વિજય રૂપાણીએ આ સીટ પરથી લડવાનો નિર્ણય કર્યો.
વિજય રૂપાણી બાળપણથી જ સંઘ સાથે જોડાયેલા છે અને મોદી તથા અમિત શાહની નિકટ ગણાય છે. વિજય રૂપાણીએ પણ આ સીટ પરથી જીત મેળવીને ભાજપની પરંપરાગત સીટ બચાવી રાખી છે. 2016માં આનંદીબેને રાજીનામુ આપ્યુ ત્યારે નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચાતુ હતુ પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજકોટની પશ્ચિમ સીટના ધારાસભ્ય વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ઘોષણા કરી દીધી.
પરંતુ આ વખતે ચૂંટણી રૂપાણી માટે આસાન નથી. આ વખતે રૂપાણી સામે કોંગ્રેસના ઉમેદવાર છે ઈન્દ્રનીલ રાજગુરુ.ઈન્દ્રનીલ રાજગુરુ રાજકોટ પૂર્વ સીટના ધારાસભ્ય છે અને તે ગુજરાતના સૌથી અમીર ધારાસભ્ય છે. ભાજપને વિશ્વાસ છે કે તે તેમની પરંપરાગત સીટ જીતી જ લેશે. પરંતુ મોટા માર્જિન સાથે આ સીટ જીતવા માટે ભાજપે ખૂબ જ મહેનત કરવી પડશે.