ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં શાંત રહ્યા બાદ મેઘરાજા સપ્ટેમ્બરની શરૂઆતથી જ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં નિષ્ક્રિય થયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જાગી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં 6થી 8 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વેધર બુલેટીન મુજબ, રાજ્યમાં 4થી 6 તારીખ સુધી વીજળીના કડાભા-ભડાકા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ 6થી 8 તારીખ દરમિયાન 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 9 મી તારીખથી રાજ્યમાં ફરી સારો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે.
સપ્ટેમ્બરમાં ભારતમાં સરેરાશ કરતા વધારે વરસાદ થઈ શકે છે. જૂનમાં સરેરાશ કરતા 10 ટકા વધારે વરસાદ થયો હતો. જ્યારે ઓગસ્ટમાં સામાન્ય કરતા 24 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. ચોમાસામાં વરસાદની ઘટ હવે 9 ટકા રહી છે. સપ્ટેમ્બરમાં સારા વરસાદથી તેમાં આ ઘટ વધારે ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે 96 %થી 104% વરસાદ થશે. જુલાઇ અને ઓગસ્ટમાં ચોમાસુ અનિશ્ચિત થયું હતું.