છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે. જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ 12.30 વાગ્યે જશે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને લઘુતમ 25.2 ડીગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
NDRF-SDRFની ટીમને એલર્ટ રહેવા સૂચના
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 4 દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.
18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે હાલમાં લો-પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાત-કચ્છની આસપાસ સક્રિય થયું છે તેમજ બંગાળની ખાડીનું વેલમાર્ક લો-પ્રેશર પાંચ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે, અમદાવાદમાં 1થી 3 ઇંચ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.