ત્રિમૂર્તિને રીઝવવા ત્રણ કલાક : ચાકડે ઘડાશે કેવો ચાક ?
ભાજપમાં ભડકો
પડયો ભારે વિરોધનો પડઘો
નવા મુખ્યમંત્રીએ જેવો સંભાળ્યો તાજ
ત્યાં જ સત્તા માટે ત્રણ મોટા નેતા નારાજ
ભાજપ કેવી રીતે સાચવશે લાજ ?
ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપથી નારાજ
ત્રીમુર્તીને મનાવવા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે ફાળવ્યા ત્રણ કલાક
જોઈએ ચાકડે ઘડાશે કેવો ચાક ?
વિભીષણને વાંકે ડૂબી લંકા
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યાની પણ આશંકા
નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદનો તાજ સંભાળ્યાના માત્ર ચોવીસ જ કલાકમાં ભાજપની ટોચની નેતાગીરીની નારાજગી સામે આવી ગઈ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ નારાજ નેતાઓની પ્રથમ હરોળમાં છે. તેમની નારાજગી ને રાજીપામાં બદલવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાઓને રાજી કરવા માટે ત્રણ કલાક જહેમત કરવી પડી હતી. તો બીજી બાજુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યાની પણ આશંકા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંડળમાં સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તથા તેમને સરકારમાં નંબર-૨નું સ્થાન અપાય તેવી આશંકાઓ સેવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મળતી માહિતી મુજબ, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા અર્થાત નવા મંત્રીમંડળની રચના અંગે આ ત્રણ નેતાનો અભિપ્રાય લેવાઈ રહ્યો છે એવા સંકેતો ન જાય એનું કેન્દ્રીય નેતૃત્વએ ધ્યાન રાખ્યું હતું. જોકે આગામી ચૂંટણીમાં તેમનાં સલાહ-સૂચનો ધ્યાને રખાશે એવું આશ્વાસન આ નેતાઓને અપાયું છે.મતલબ કે પાછલે બારણે આ ત્રણે નેતાના અભિપ્રાય લેવાઈ રહયા હશે.અને એમને છેલ્લી ઘડી સુધીમાં મનાવી લેવાના શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવશે એવી શક્યતા નકારી શકાય નહિ.