ડ્રોન ઉદ્યોગમાં 2026 સુધી 1.8 અબજ ડોલર થશે વ્યાપાર, આગામી ત્રણ વર્ષમાં અંદાજે પાંચ હજાર કરોડનું રોકાણ
બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ઓટો અને ડ્રોન ક્ષેત્રને મોટી રાહત આપી હતી. પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ‘અમે આગામી ત્રણ વર્ષમાં ડ્રોનના મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં લગભગ 5,000 કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ લગાવી રહ્યા છીએ. તેનાથી રોજગારીની લગભગ 10,000 તકો ઉભી થશે. આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.
2026 સુધીમાં ડ્રોન ઉદ્યોગ 1.8 અબજ ડોલરનો થશે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ‘PLI આગામી ત્રણ વર્ષમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગથી 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. અમે અંદાજ લગાવી રહ્યા છીએ કે 2026 સુધીમાં ડ્રોન ઉદ્યોગ 1.8 અબજ ડોલરનો થશે.
ડ્રોન ઉદ્યોગ માટે 120 કરોડ રૂપિયા મંજૂર
જાણકારી છે કે બુધવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે PLI યોજનામાં 26,058 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ છે. ઓટો ક્ષેત્ર માટે 25,938 કરોડ રૂપિયા અને ડ્રોન ઉદ્યોગ માટે 120 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના 20 પ્રોડક્ટ્સને આવરી લે છે, જેમાં વિદ્યુત અને પરંપરાગત વાહનના બંને ઘટકોનો સમાવેશ થાય છે. PLI સ્કીમ મુજબ, કેન્દ્ર વધુ ઉત્પાદન પર પ્રોત્સાહન આપશે અને કંપનીઓને ભારતમાં બનેલા ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેનો ઉદ્દેશ રોકાણકારોને સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઠાકુરના મતે આનાથી અદ્યતન ઓટોમોબાઈલ ક્ષેત્રને વેગ મળશે અને સાત લાખ સાત હજાર લોકોને રોજગારી મળશે.