વધારે ચા પીવાથી આ ૩ ગંભીર રોગોનું જોખમ, જાણો કેવી રીતે બચશો
જો તમે ચા પીવાના શોખીન હો અને દિવસમાં ઘણી વાર દૂધવાળી ચા પીતા હો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. વધારે પડતી ચા પીવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચામાં રહેલું કેફીન અને અન્ય તત્ત્વો તમારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. જો તમે સમયસર આ આદતને નિયંત્રિત નહીં કરો તો ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.
વધારે ચા પીવાથી થઈ શકે છે આ ૩ સમસ્યાઓ
૧. ડિહાઇડ્રેશન અને આયર્નની ઉણપ:
ઉનાળાની ઋતુમાં વધારે ચા પીવાથી શરીરને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડી શકે છે. ચામાં રહેલાં ડાયયુરેટિક તત્ત્વો પેશાબનું પ્રમાણ વધારે છે, જેના કારણે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી શકે છે. આ ઉપરાંત, વધારે ચા પીવાથી શરીરમાં આયર્નનું શોષણ ઓછું થાય છે. જો તમને પહેલાથી જ આયર્નની ઉણપ હોય તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે, તેથી આવા લોકોએ ચા પીવાનું ટાળવું જોઈએ.
૨. પેટ સંબંધિત સમસ્યાઓ:
વધારે પડતી ચા પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમને ગેસ, એસિડિટી અથવા પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ટેનીન અને કેફીન જેવા તત્ત્વો પેટમાં એસિડનું ઉત્પાદન વધારે છે, જેનાથી પેટમાં બળતરા અને અપચો થઈ શકે છે. લાંબા ગાળે આ આદત અલ્સર જેવી ગંભીર બીમારીઓ પણ નોતરી શકે છે.
૩. અનિદ્રા અને હૃદયની સમસ્યા:
ચામાં રહેલું કેફીન નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જેના કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. જે લોકો રાત્રે મોડે સુધી ચા પીવે છે તેમને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. પૂરતી ઊંઘ ન મળવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર અસર થાય છે. આ ઉપરાંત, વધારે ચા પીવાથી બ્લડ પ્રેશર પણ વધી શકે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી, આ સમસ્યાઓથી બચવા માટે ચાનું સેવન મર્યાદિત કરવું ખૂબ જ જરૂરી છે.