દેશભર સહિત ગુજરાત રાજ્યમાં જાણે કે ડ્રગ્સ ડિલરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ડ્રગ્સનું ખુલ્લે આમ વેચાણ કરી રહ્યા છે. હજી તો મુન્દ્રાથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની તપાસ ચાલુ જ થઈ છે ત્યારે મુંબઈની કુખ્યાત ડ્રગ્સ કવીન રૂબિના શેખને એમડી ડ્રગ્સ સાથે મહેસાણા પાસે આવેલી મીરા દાતાર દરગાહમાંથી ઝડપી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા મુંબઈ પોલીસે ડ્રગ્સ કવીન રૂબિનાના મુંબઈ ખાતે આવેલા ઘરે રેડ કરી એમડી ડ્રગ્સ ઝડપી પડ્યું હતું. જે બાદથી રૂબિના ફરાર હતી અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. જે બાદ ફરાર રૂબિના મહેસાણા પાસે આવેલ મીરા દાતારની એક હોટલમાં છુપાઈ ગઈ હતી.
મુંબઈ એનસીબીએ ગત 18 તારીખના રોજ મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં રેડ કરીને લેડી ડોન રૂબિના નિયાઝુ શેખના ઘરમાંથી 110 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 585 ગ્રામ સોનુ અને રૂપિયા 78 લાખ રોકડ ઝડપી પાડ્યા હતા. જે બાદ રૂબિના શેખને વોન્ટેડ જાહેર કરી મુંબઈ એનસીબીએ શોધખોળ હાથ ધરી હતી. આ રેડ બાદ રૂબિના ભૂગર્ભમાં જતી રહી હતી. અને મુંબઈ પોલીસ તેને શોધી રહી હતી. તે દરમિયાન રૂબિના શેખ ઊંઝા તાલુકાના ઉનાવાની મીરાદાતાર દરગાહ ઉપર આવી હોવાની બાતમી મળતાં એનસીબીએ મહેસાણા પોલીસને જાણ કરી હતી. જેથી મહેસાણા એસપીના સુપરવિઝન હેઠળ રૂબિના શેખને પકડવા મુંબઈ એનસીબી અને ઊંઝા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. મુંબઈ એનસીબીના બે અધિકારી અને ઊંઝા પોલીસની ટીમે ઓપરેશન હાથ ધરીને રૂબિના શેખને મીરા દાતાર દરગાહ નજીકથી ઝડપી પાડી હતી. રૂબિના શેખને ધરપકડ બાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કોર્ટમાં રજૂ કરી મુંબઈ એનસીબીએ ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી મુંબઈ રવાના કરાઈ હતી.
ઉનાવા મીરા દાતારની દરગાહમાં ઉર્સનો મેળો હોવાથી લોકોની ભારે ભીડ હતી જેથી રૂબિનાને ઓળખવી અને આટલા લોકોની ભીડમાં તેને પકડવી પોલીસ માટે પણ પડકાર હતો. જેથી મહેસાણાના પોલીસ સ્ટાફે મુસ્લિમ વેશ ઘારણ કરી તેની શોધખોળ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં મુંબઈ પોલીસ અને મહેસાણા પોલીસ રૂબિનાની વોચમાં હતી ત્યાંજ પોલીસને રૂબિના એક હોટલમાં હોવાની જાણ થતા તે હોટલમાં રેડ કરતા રૂબિના ઝડપાઇ ગઈ હતી. ઝડપાયેલી ડ્રગ્સ કવીન પાસેથી પોલિસને રેડ દરમિયાન 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સોનુ, રોકડ રકમ મળી આવી હતી.
કોણ છે ડ્રગ ક્વીન રૂબિના
મુંબઈ એનસીબીની તપાસમાં સામે આવ્યું હતું કે રૂબિના નિયાઝુ અઝગર શેખ મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં કુરેશીનગરના મોલ્લાના બાબાનગરી વિસ્તારમાં રહે છે. 35 વર્ષિય રૂબિનાને 2 દિકરા અને 3 દિકરી છે. મુંબઈ એનસીબીએ નોંધેલી ફરિયાદમાં નોંધાયેલુ છે કે, રૂબિના દેશની મોટી ડ્રગ્સ સિન્ડીકેટ સાથે સંકળાયેલી છે. અને આ કેસમાં ત્રણ શંકાસ્પદ હજુ ફરાર છે. જેની શોધખોળ હાલ મુંબઈ એનસીબી કરી રહી છે.
રૂબિનાના સંપર્કમાં અમદાવાદના ડ્રગ્સ ડિલરો
ગુજરાત રાજ્ય સહિત અમદાવાદમાં ડ્રગ્સ ડિલરો બેફામ એમડી ડ્રગ્સ વેચી રહ્યા હતા. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એનસીબી દ્વારા અલગ અલગ ઓપરેશન પાર પાડી લગભગ શહેરના મોટા ડ્રગ્સ ડિલરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેમાં અમદાવાદના ડ્રગ્સ ડિલરો મુંબઇથી ડ્રગ્સ મગાવતાં હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે મુંબઈના ડ્રગ્સ ડિલરોને પણ ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. જોકે શહેરમાં હજુ આ ડ્રગ્સ ડિલરોના પન્ટરો એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે. હાલમાં જ દાણીલીમડા પોલીસે મુંબઈના બે અને અમદાવાદના એક ડ્રગ્સ ડીલરોની ધરપકડ કરી હતી. આ તમામ ડ્રગ્સ ડિલરો મુંબઈના ડ્રગ્સ માફિયાઓ પાસેથી ડ્રગ્સ મંગાવી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
રૂબિના સાથેના કેસમાં બીગબોસ ફેમ એજાઝ ખાન પણ આરોપી રૂબિના શેખ મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં એમડી ડ્રગ્સનો કારોબાર કરતી હતી. આ વિસ્તારમાં મુંબઈમાં ઘણા ટીવી સીરિયલમાં કામ કરતા અને સ્ટગલર અભિનેતા પણ રહે છે. જેમાં મૂળ અમદાવાદનો બિગ બોસથી ફેમસ થયેલ એજાઝ ખાન પણ બાન્દ્રામાં રહે છે. તેની પણ થોડાક સમય પહેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અને તે હાલ મુંબઈની જેલમાં છે. તેના પર મુંબઈ એનસીબી દ્વારા આરોપ છે જે તે મુંબઈની ડ્રગ્સ ગેંગ બટાકા ગેંગ માટે કામ કરે છે. અને રૂબિના શેખ પણ બટાકા ગેંગ સાથે જોડાયેલી છે. મુંબઈની સાદાબ બટાકા ગેંગ પાસેથી ડ્રગ્સ લેતી હતી. અને એજાઝ ખાન પણ આ ગેંગનો માલ વેચતો હતો. એજાઝ ખાન મૂળ અમદાવાદનો હોવાથી તે અમદાવાદના તમામ ડ્રગ્સ ડિલરોને ઓળખતો હતો. હવે રૂબિનાની ધરપકડ બાદ અન્ય મોટા ડીલરોના નામ પણ સામે આવી શકે છે.